પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા ગામડાંઓમાં જાહેર સ્થળોએ બાકડા મૂકવાના પ્રસ્તાવને પણ અપાઇ મંજૂરી
રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ-2023-2024ના રૂ.16.97 કરોડના બજેટને આજે જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ બજેટના કદમાં 3.33 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. મોટી કોઇ યોજના જાહેર કરવાના બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. સભ્યો દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતાં. જેનું પાલન કરવામાં આવશે. તેવી ખાતરી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
આજે સવારે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના વર્ષ-2023-2024ના બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસના સભ્યો ગેરહાજર હોવાના કારણે બોર્ડમાં કોઇ વિરોધ વિના તમામ દરખાસ્તો પર નિર્ણયો લેવામાં આવ્યા હતાં. દરમિયાન સભ્ય પ્રવિણભાઇ કિયાડાએ એવું સૂચન કર્યું હતું કે ચેકડેમ રિપેરીંગ માટે ગ્રાન્ડ ફાળવવામાં આવતી નથી. જેના કારણે ગામડાઓમાં પાણીની ભારે સમસ્યા રહે છે.
તેના પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. જ્યારે અન્ય એક સભ્યએ આંગણવાડીમાં ભરતી સામે સવાલો ઉઠ્યા હતાં. સમિતિના ચેરમેનને વિશ્ર્વાસમાં લીધા વિના લાગવગના ધોરણે ભરતી કરવામાં આવતી હોય તેવો આક્ષેપ પણ લગાવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ અર્થાત 2022-2023નું રૂ.20.30 કરોડનું બજેટ હતું. જે પૂર્ણ થયું નથી ત્યારે આગામી નાણાકીય વર્ષ માટે બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને વાસ્તવિક સ્વરૂપ આપવાનું પ્રયાસ કરવામાં આવ્યો છે. બજેટમાં રાજકોટ જિલ્લાની જનતા પર કોઇ જ પ્રકારનો કરબોજ લાદવામાં આવ્યો નથી.
નવા નાણાકીય વર્ષના અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રો માટે નાણાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂ.22 લાખ, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહક યોજના માટે રૂ.5 લાખ, વિકાસ કામો માટે 9.01 કરોડ, પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વાર, બાગ બગીચા અને શાળાની બહારની દિવાલોમાં વિવિધ કલાત્મક કૃતિઓ ગોઠવવા માટે રૂ.20 લાખ અને રમત-ગમતના સાધનો ખરીદવા માટે રૂ.20 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાની કિશોરીઓને સેનેટરી પેડ આપવા માટે રૂ.20 લાખ, આરોગ્ય કેન્દ્રો માટે રૂ.25 લાખ, આંગણવાડીમાં રમત-ગમતના સાધનો ખરીદવા માટે રૂ.15 લાખ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂ.2 લાખ, પશુઓ માટે ખરવા મૌવાની વેક્સીનેશન માટે રૂ.2 લાખ અને સામાજીક ન્યાય નિધિ માટે રૂ.40 લાખની જોગવાઇ કરાઇ છે.
જ્યારે તળાવ અને નહેરો માટે રૂ.40 લાખ, વરસાદી પાણીના સંગ્રહ માટે રૂ.30 લાખ, પૂર સંરક્ષણ દિવાલો અને પારા મરામત માટે રૂ.20 લાખ, બિન પરંપરાત ઉર્જાના સાધનો ખરીદવા માટે રૂ.5 લાખ, રિક્રીએશન સેન્ટર બનાવવા માટે રૂ.1 લાખ અને હેલ્થ જીનેશિયમ બનાવવા માટે રૂ.1 લાખની જોગવાઇ કરવામાં આવી હતી. આજે જિલ્લા પંચાયતમાં રૂ.16.97 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી.