ગઇ કાલે કચરો નાખવા બાબતે થયેલી માથાકૂટ બાદ સવારે મોત નિપજતા પરિવારમાં માતમ: મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો
રાજકોટમાં મોચીબજાર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા યુવાનનું આજરોજ સવારે ભેદી સંજોગોમાં બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. તો બીજી તરફ ગઈ કાલે રાત્રીના જયુબેલી માર્કેટમાં અન્ય શાકભાજીના ધંધાર્થી સાથે માથાકૂટ થતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનુ કહી પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતા એ ડિવિઝન પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોચીબજારમાં રહેતા અને શાકભાજીના ધંધાર્થી વસિમભાઈ આસમભાઈ મહિડા નામના 25 વર્ષનો યુવાન વહેલી સવારે નમાઝ પઢીને આવ્યા બાદ એકાએક બેભાન થઈ જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો છે. આ અંગે વસીમભાઈ મહિડાના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રીના જયુબેલી માર્કેટ ખાતે અન્ય શાકભાજીના ધંધાર્થી બંધુ સાથે માથાકૂટ થઇ હતી.
કચરો ફેંકવા બાબતે અન્ય બકાલી બંધુઓ સાથે માથાકૂટ થયા બાદ તેઓએ મારકૂટ પણ કરી હોવાનો મૃતકના ભાઈએ આક્ષેપ કરતા એ – ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે. મૃતક વસીમભાઈ ત્રણ ભાઈ અને બે બહેનમાં નાના હોવાનુ અને તેની પત્ની સગર્ભા હોવાનુ જાણવા મળ્યુ છે.