પંદર દિવસ પહેલાં માર માર્યા અંગે પોલીસે ફરિયાદ ન નોંધતા શરીરે કેરોસીન છાંટયું
અબતક,રાજકોટ
રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે ગત મોડીરાતે યુવાને શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી છે. યુવાનને પંદર દિવસ પહેલાં પેટ્રોલ પંપના કર્મચારીએ માર માર્યો હોવાના અને પોલીસે ફરિયાદ ન નોંધ્યાના આક્ષેપ કર્યા છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર રહેતા મયુર ભીખાભાઇ સોંદરવા નામના યુવાન ગઇકાલે મોડી રાતે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે જઇ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોન કરવાનો પ્રયાસ કરતા યુનિર્વસિટી પોલીસે તેની અટકાયત કરી છે.મયુર સોંદરવા પંદર દિવસ પહેલાં ન્યારા પેટ્રોલ પંપે બાઇકમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો. ત્યારે પોતાનું બાઇક સાઇડમાં પાર્ક કરી બાથરૂમમાં લઘુ શંકા કરવા માટે હતો.પેટ્રોલ પંપના કર્મચારી બાથરૂમનો દરવાજો ખટખટાવતા દરવાજો ખોલ્યો ન હતો. થોડીવાર બાદ ફરી પેટ્રોલ પંપનો કર્મચારીએ બાથરૂમનો દરવાજો ખટખટાવતા દરવાજો ખોલ્યો ન હતો. અડધો કલાક બાદ બાથરૂમમાંથી બહાર આવેલા મયુર સોંદરવાએ પોતાને પથરી હોવાનું જણાવ્યું હતુ તેમ છતાં પેટ્રોલ પંપ માલીક રસિકભાઇ અને કર્મચારીઓએ માર માર્યો હતો.
આથી મયુર સોંદરવા યુનિર્વસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયો હતો ત્યારે તેની ફરિયાદ ન નોંધવામાં આવતા તે પોલીસ કમિશનર કચેરી આવેદન પત્ર આપ્યું હતું. આમ છતાં કોઇ કાર્યવાહી ન થતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું મયુર સોંદરવાએ જણાવ્યું હતું.
પેટ્રોલ પંપ સંચાલક રસિકભાઇએ પંદર દિવસ પહેલાં બાથરૂમમાં લઘુશંકા કરવા માટે મયુર સોંદરવા હતો. ત્યારે તેને બાથરૂમમાંથી ગાળો દીધી હોવાનું જણાવ્યું હતું. મયુર સોંદરવાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ સ્ટાફ તમામને પોલીસ મથકે લઇ ગયા હતા ત્યાંથી મયુર સોંદરવા જતો રહ્યા બાદ ગઇકાલે ફરી પેટ્રોલ પંપે આવી બઘડાટી બોલાવી હોવાનું જણાવ્યું હતું.