રાજકોટ શહેરના જંકશન પ્લોટમાં આવેલી ગુરુકૃપા જનરલ સ્ટોર પર કામે ગયેલા ગરાસીયા યુવાનનું જમીન વિવાદના કારણે અપહરણ કરી ખેતીની જમીનમાં કરેલા રુા.5 લાખનો ખર્ચ આપી જવાની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પ્ર.નગર પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહૃતને વાંકાનેરના ખેરવા ગામેથી મુક્ત કરાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરી છે.
નાના ભાઇના સાળાનું અપહરણ કરી ખેતીની જમીનમાં 5 લાખના કરેલા ખર્ચ આપી જવા ધમકી દીધી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માઉન્ટેન પોલીસ લાઇન પાછળ સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા નિરુબા પ્રતાપસિંહ ઝાલાએ પોતાના ભાઇ પ્રવિણસિહ જેઠવાનું જંકશન પ્લોટ ગુરુકૃપા જનરલ સ્ટોર નોકરી પર ગયા હતા ત્યાંથી પોતાના જેઠ હેમતસિંહ ઝાલાના પુત્ર શક્તિસિંહ ઝાલાએ અપહરણ કરી રુા.5 લાખની માગણી કર્યા અંગેની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રતાપસિંહ ઝાલાની ખેરવા ખાતે આવેલી ખેતીની જમીનમાં શક્તિસિંહ ઝાલાએ રુા.5 લાખનો ખર્ચ કર્યો હોવાનું કહી તેની ઉઘરાણીના પ્રશ્ર્ને વિવાદ ચાલતો હોવાથી ગઇકાલે બપોરે પ્રવિણસિંહ જેઠા જંકશન પ્લોટમાં નોકરી પર ગયા હતા ત્યારે ત્યાંથી અપહરણ કરી શક્તિસિંહ ઝાલાએ મોબાઇલમાં વાત કરી જમીનમાં કરેલા રુા.5 લાખના ખર્ચના પૈસા નહી આપો તો પ્રવિણસિંહ જેઠવાને મારી નાખશુ તેવી ધમકી દીધી હતી.નિરુબા ઝાલાએ પોતાના પતિ પ્રતાપસિંહ ઝાલાને પ્રવિણસિંહ જેઠવાના અપહરણ અંગે વાત કરતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પ્ર.નગર પી.આઇ. ગોંડલિયા, પી.એસ.આઇ. બી.વી.ચુડાસમા, પી.એસ.આઇ. એફ.એમ.કથીરી અને અશોકભાઇ સહિતના સ્ટાફે નિરુબા ઝાલાની ફરિયાદ પરથી તેમના જેઠના પુત્ર શક્તિસિંહ ઝાલા સામે અપહરણનો ગુનો નોંધી અપહૃત પ્રવિણસિંહ જેઠવાને મુક્ત કરાવવા પોલીસની એક ટીમ ખેરવા દોડી ગઇ હતી.
પોલીસ સ્ટાફે મોડી સાંજે પ્રવિણસિંહ જેઠવાને ખેરવાથી મુક્ત કરાવી અપહરણના ગુનામાં શક્તિસિંહ ઝાલાની ધરપકડ કરી છે.