દુબઇ રહેતા મિત્રએ રાજકોટના કારખાનેદાર પાસેથી લીધેલા રૂ 1.50 કરોડ વ્યાજ સહિત રૂ 2.50 કરોડની ઉઘરાણી કરી ફિલ્મી સ્ટાઇલથી કારમાં કમ્પ્યુટર એન્જિનીયરને કિડનેપ કર્યો
શહેરના કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા શ્રીમદ ભવન પાસેથી કમ્પ્યુટર એન્જિનીયર પટેલ યુવાનનું પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી કોલીથડ લઇ ગયાની અને ઉઘરાણી વસુલ કરવા માર મારતા હોવાનું ભક્તિનગર પોલીસના ધ્યાને આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે છટકુ ગોઠવી અપહૃતને હેમખેમ બચાવવા અપહૃત સાથે મોબાઇલમાં વાત કરી કોલીથડથી રાજકોટ ગોંડલ ચોકડી પાસે બોલાવી ચેક આપવાનું જણાવતા પોલીસની વાતમાં ફસાયેલા પાંચ અપહરણકાર પૈકી ત્રણની ધરપકડ કરી અપહૃત કમ્પ્યુટર એન્જિનીયરને હેમખેમ બચાવી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કોટડા સાંગાણી તાલુકાના મેંગણી ગામના વતની અને કોઠારિયા રોડ પર આવેલા અર્જુન પાર્કમાં રહેતા કમ્પ્યુટ એન્જિનીયર ઉપેન્દ્રભાઇ પરસોતમભાઇ કરતાબા નામના 30 વર્ષના પટેલ યુવાને પોતાના દુબઇ રહેતા મિત્ર હિરેન વિઠ્ઠલભાઇ ડાંગરીયાની ઉઘરાણી વસુલ કરવા વાવડી વિસ્તારમાં આવેલા તપન હાઇટર્સમાં રહેતા કારખાનેદાર રમેશ ડાવરા, અશ્ર્વિન ડાવરા, વિવેક ડાવરા, કલ્પેશ ડાવરા અને ચિંતન કાંજીયા નામના શખ્સોએ ગઇકાલે સાંજે પાંચ વાગે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા શ્રીમદ ભવન પાસેથી કારમાં અપહરણ કરી કોલીથડ લઇ જઇ માર માર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભક્તિનગર પી.આઇ. એલ.એલ.ચાવડાએ છટકુ ગોઠવી ગોંડલ ચોકડી પાસેથી અપહૃતને મુકત કરાવી ત્રણ શખ્સોને ઝડપી લીધા: બે શખ્સની શોધખોળ
મવડી ચોકડી પાસે રામધણ પાસે રહેતા અને ઘણા સમયથી દુબઇ સ્થાયી થઇ કમ્પ્યુટરનું કામ કરતા હિરેન વિઠ્ઠલભાઇ ડાંગરીયા અને ઉપેન્દ્રભાઇ પટેલ ભાગીદારીમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા શ્રીમદ ભવન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ભાગીદારીમાં કમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતા હતા. લોક ડાઉન સમયે હિરેન ડાંગરીયાએ વાવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર આવેલા તપન હાઇટર્સમાં રહેતા રમેશભાઇ ડાવરા પાસેથી રૂા.1.50 કરોડ વ્યાજે લીધા હતા ત્યાર બાદ લાંબા સમયથી હિરેન ડાગરીયા દુબઇ જતો રહ્યો હતો. હિરેન ડાંગરીયા પોતાના મિત્ર ઉપેન્દ્રભાઇ પટેલને આંગડીયું કરતો અને તે રકમ ઉપેન્દ્ર પટેલ કારખાનેદાર રમેશ ડાવરાને પહોચાડતો હતો. પરંતુ કેટલાક સમયથી હિરેન ડાંગરીયાએ વ્યાજ પહોચાડતો ન હોવાથી ગઇકાલે સાંજે રમેશ ડાંગરીયા સહિતના શખ્સો કાર લઇને કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા શ્રીમદ ભવન કોમ્પ્લેક્ષ ખાતે આવી ઉપેન્દ્ર પટેલને વાત-ચીત કરવાના બહાને ત્રીજા માળેથી નીચે ઉતારી પાંચેય શખ્સોએ બળજબરીથી કારમાં બેસાડી ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાડી લઇ જઇ પાઇપ અને લાકડીથી માર મારી હિરેન ડાંગરીયા પાસેથી પોતાને રૂ.2.50 કરોડ લેવાના છે તે તારે આપવા પડશે તેમ કહી ધાક ધમકી દીધી હતી.
પાંચેય શખ્સોએ કોરા ચેક લખાવી લેવા માર મારતા હોવાથી ઉપેન્દ્ર પટેલે પોતાના મિત્ર હિરેન ડાંગરીયાના મવડી ચોકડી પાસે રહેતા ભાઇ ભાવેશ સાથે મોબાઇલમાં વાત કરી તાત્કાલિક કોરા ચેક લઇને કોલીથડ આવી જવાનું કહ્યું હતું. આથી એલઆઇસી એજન્ટ ભાવેશ ડાંગરીયાએ ભક્તિનગર પોલીસમાં ઉપેન્દ્ર પટેલનું અપહરણ કર્યાનું જણાવતા પી.આઇ. એલ.એલ.ચાવડા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના છટકુ ગોઠવી ભાવેશભાઇ ડાંગરીયાને અપહરણકાર રમેશ ડાવરા સાથે મોબાઇલમાં વાત કરાવી કોલીથડથી રાજકોટ ગોંડલ ચોકડી પાસે આવી સહિ કરેલા કોરા ચેક લઇ ઉપેન્દ્ર પટેલને મુક્ત કરાવવાનું જણાવતા ભક્તિનગર પોલીસે બીછાવેલી ઝાળમાં ત્રણ અપહરણકર ઉપેન્દ્ર પટેલને લઇને ગોંડલ ચોકડી ખાતે આવતા પોલીસે ત્રણેય અપહરણકારની ધરપકડ કરી અપહૃત ઉપેન્દ્ર પટેલને બચાવી લીધો છે.ભક્તિનગર પોલીસે પાંચેય અપહરણકાર સામે કાવતરૂ રચી બળજરીથી ઉઘરાણી વસુલ કરવા ઉપેન્દ્ર પટેલનું અપહરણ કર્યા અંગેનો ગુનો નોંધી રમેશ ડાવરા અને કલ્પેશ ડાવરાની શોધખોળ હાથધરી છે.