સોસાયટીના કબલ હાઉસમાં મિટીંગ દરમિયાન ધસી આવેલા શખ્સે ચૂંટણી અટકાવવા કરી ધમાલ

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની જેમ રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ સોપાન હાઇટસ સોસાયટીના પ્રમુખની ચૂંટણી અટકાવવા એવીપીટીઆઇના કર્મચારી યુવાનને રિવોલ્વર તાકી ખૂનની ધમકી દેવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે વિપ્ર યુવાનની ફરિયાદ પરથી તેની જ સોસાયટીના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોપાન હાઇટસ ફેસ-2માં રહેતા કમલભાઇ તુલજાશંકર વ્યાસ નામના 35 વર્ષના વિપ્ર યુવાને સોપાન હાઇટસ જી-1201માં રહેતા હરેશ પાઠકે સોસાયટીના પ્રમુખની ચૂંટણીના પ્રશ્ર્ને રિવોલ્વર તાકી ખૂનની ધમકી દીધાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સોપાન હાઇટસમાં કુલ પાંચ વીંગમાં 228 ફલેટ છે. દરેક વીંગ દીઠ ત્રણ-ત્રણ સભ્યની કમિટિ બનાવવામાં આવી છે. આ પંદર કમિટિ મેમ્બર વચ્ચે પ્રમુખની નિમણુંક કરવાની હોવાથી પ્રમુખ સિલેકશનથી કરવા અથવા કમિટિ મેમ્બરની ચૂંટણી દ્વારા પ્રમુખ નક્કી કરવા અંગે સોસાયટીના કલબ હાઉસમાં કમિટિ મેમ્બર વચ્ચે મિટીંગ યોજવામાં આવી હતી.

ચૂંટણી અંગે કમિટિ મેમ્બર દ્વારા ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન સોપાન હાઇટસ જી-1201 નંબરના ફલેટમાં રહેતા હરેશ પાઠક નામનો શખ્સ કલબ હાઉસમાં ઘસી આવ્યો હતો અને તેની પાસે રહેલી રિવોલ્વર કમલભાઇ વ્યાસના લમણે તાકી કોને ચૂંટણી કરવી છે, ભડાકો થતા વાર નહી લાગે કહી ખૂનની ધમકી દઇ ભાગી જતા સોસાયટીમાં સભ્યોમાં ફફડાટ મચી ગયો છે.યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. ચાવડા અને પી.એસ.આઇ. બી.જી.ડાંગર સહિતના સ્ટાફે હરેશ પાઠક સામે આર્મ્સ એકટ અને ખૂનની ધમકી દેવા અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.