કપાસના ઉંચામાં પ્રતિમણ રૂ.1650 ભાવ બોલાયા,
હજુ ભાવો વધવાની પુરેપુરી શક્યતા

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિનપ્રતિદિન નવી મગફળી અને કપાસની આવક વધી રહી છે. નવો કપાસ અને મગફળી તૈયાર થતાં હવે ખેડૂતો બજારમાં પોતાની જણસી વેંચાણ અર્થે ઠાલવી રહ્યાં છે. તો આ વર્ષે શરૂઆતમાં જ કપાસના સારા ભાવો ખેડૂતોને મળી રહ્યાં છે.

રાજકોટ બેડી યાર્ડમાં આજે સિઝનની નવી મગફળી સૌથી વધુ 28,000 ગુણીની આવક થવા પામી છે અને પ્રતિમણના ભાવ આજે રૂા. 940 થી 1240 સુધીના બોલાયા હતાં. આ ઉપરાંત નવા કપાસની 25,000 મણની આવક થવા પામી છે. જેના પણ આ વર્ષના આજે સૌથી વધુ ભાવ બોલાયાં છે. નવા કપાસના ખેડૂતોને પ્રતિમણના ઉંચામાં રૂા.1650 ઉપજ્યાં છે.

આ વર્ષે કપાસના સરેરાશ ભાવ રૂા.1,200 થી લઇ 1,600 આસપાસ બોલાઇ રહ્યાં છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કપાસના ભાવો હજુ વધુ ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.