બુધવારે મતગણતરી; મતદાન પૂર્વે મતદારોને રીઝવવા ઉમેદવારોના પ્રયત્નો, બેઠકોનો દોર
રાજકોટ માર્કેટની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. ખેડૂત, વેપારી અને સહકારી પેનલની કુલ 16 બેઠકોમાંથી સહકારી વિભાગની બે પેનલ બિનહરીફ થતા હવે આવતીકાલે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ વચ્ચે જંગ જામશે. આવતીકાલ તા.5 ઓકટોબરના રોજ મતદાન બાદ બુધવારે મતગણતરી હાથ ધરાશે. ખેડુત અને વેપારી પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો હોય સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ચૂંટણીમાં લોધિકા, પડધરી, અને રાજકોટ તાલુકાના ખેડૂત અને સહકારી મંડળીના સભ્યો મતદાન કરી શકશે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થતા જ છેલ્લા બે મહિનાથી સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી જાહેર થતા પ્રથમ તો તમામ બેઠકો બિનહરીફ કરવા પ્રયત્નો થયા હતા યાર્ડની સતા હાંસલ કરવા અને બેઠકો બિનહરીફ થાય તે માટે પુર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને સુકાન સોંપાયું હતુ તેમ છતા ગત 23 સપ્ટેમ્બરના રોજ તમામ 16 બેઠકો માટે કુલ 58 ફોર્મ ભરાયા હતા. જો કે ફોર્મ ભરાયાની વેળાએ જ ભાજપ તરફી પ્રદેશમાંથી આવેલા 12 નામોની યાદી જાહેર કરવામા આવી હતી.
આ યાદીમાં જે રીતે નવા મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન અપાયું તેજ રીતે નવા ચહેરાઓના નામ મોકલાયા હતા. અનેક સહકારી ક્ષેત્રના ગણાત અનેક મોટા માથાઓના નામ કપાયા હતા. જોકે પ્રસિધ્ધ થયેલી આ યાદીમાં ડી.કે. સખીયા અને ભાનુભાઈ મેતાના પુત્રોને ટિકિટ અપાતા પરિવારવાદ ચાલ્યો હોવાનું પણ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું હતુ.
ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 27મી સપ્ટેમ્બરે કુલ 23 ફોર્મ પરત ખેંચાતા અને 1 ફોર્મ રદ થતા તેમજ બે બેઠક બિનહરીફ થતા હવે કુલ 32 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 થી વધુ વેપારી પેનલના ઉમેદવારો તેમજ અન્ય ઉમેદવારો ખેડૂત વિભાગમાંથી ચૂંટણી જંગ ખેલશે. ખેડુત વિભાગમાંથી જે તે દિવસે કુલ 32 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1 ફોર્મ રદ થયું છે. તેમજ 9 નવ ફોર્મ પરત ખેંચાતા હવે કુલ 22 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ખેડુત વિભાગમાં 99 મંડળીના કુલ 1462 મતદારો 22 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ કરશે.
તમામ 16 બેઠકોમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 14 બેઠક માટે ઉમેદવારો જંગે ચડશે. જેમાં વેપારી વિભાગની 4 બેઠક તેમજ ખેડૂત વિભાગની 10 બેઠકનો સમાવેશ થાય છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 બેઠક માટે કુલ 21 ફોર્મ ભરાયા હતા જેમાં 11 ફોર્મ પરત ખેંચાયા હતા. જેથી હવે 10 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.
આવતીકાલે મતદાનના દિવસે વેપારી વિભાગના 570 મતદારો 10 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ કરશે. સહકાર વિભાગની 2 બેઠક માટે 5 ફોર્મ ભરાયા હતા. જે બને બેઠક બિનહરીફ થતા પરસોતમભાઈ સાવલીયા અને કેશુભાઈ નંદાણીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ત્યારે હવે કાલે મતદાન થયા બાદ કોના હાથમાં યાર્ડની સતાનું સુકાન આવે તે બુધવારે મતગણતરી થયા બાદ સ્પષ્ટ થશે. હાલ તો મતદારોને રીઝવવા ઉમેદવારોએ મતદારો સાથે બેઠકોદોર ચાલુ રાખ્યો છે. અને બેઠક હાંસલ કરવા મરણીયો જંગ ચાલી રહ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ બેડી યાર્ડની ચૂંટણી પર્વે જ વિવાદ વકર્યો છે. જેમાં કિસાન સંઘે પુર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા પર આરોપ લગાવ્યો છે. કિસાન સંઘે ચૂંટણી પૂર્વે મતદારોને દબાવવાનો પ્રયત્ન થતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કિસાન સંઘ અધિકારીને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.