દર વર્ષ કરતા આ વર્ષે લાભ પાંચમે આવકમાં 50 ટકાનું ગાબડું, થોડા દિવસો બાદ આવક વધવાની સંભાવના

કપાસની 27 હજાર મણની આવક, કપાસ અને મગફળીના ભાવ સ્થિર

અબતક, રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે મગફળીની 50 હજાર ગુણીની આવક થઈ છે. જો કે આ આવકમાં દર વર્ષ કરતા 50 ટકાનું ગાબડું પડયુ છે. જેની પાછળ મજૂરોની અછત કારણભુત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હવે આવતા દિવસોમા આવક વધે તેવી શકયતા સેવાઇ રહી છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે મગફળીની 50 હજાર ગુણીની આવકો થઈ છે. જો કે દર વર્ષ કરતા આ વર્ષે મગફળીની આવકો ઓછી થઈ છે. બીજી બાજુ નવા વર્ષના પ્રારંભ મગફળી અને કપાસના ભાવો સ્થિર રહ્યા છે. મગફળી ઝીણી એક મણના ભાવ 1000થી 1100 રૂ. તથા મગફળી જાડી એક મણના ભાવ 1050થી 1120 રૂ. રહ્યા હતા.

દર વર્ષે રાજકોટ યાર્ડમાં લાભ પાંચમે મગફળીની એકથી સવા લાખ ગુણીની વિક્રમજનક આવકો થાય છે પરંતુ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મજુરોની અછતના કારણે ખેડૂતો સમયસર મગફળી તૈયાર કરી શકયા ન હોય તેમજ મોટાભાગના ખેડૂતો મજુરોની અછતના કારણે મગફળી તૈયાર ન થતા શિયાળુ વાવેતરમાં પરોવાય ગયા હતા. આ વર્ષે મગફળીની આવકો ઓછી થઈ છે. જો કે આગામી દિવસોમાં મગફળીની આવકો વધશે તેવી શકયતા જોવા મળી રહી છે.

રાજકોટ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે મગફળી અને કપાસના ભાવો સ્થિર રહ્યા છે. જો કે જીરૂના ભાવમાં મણે 100 રૂ.નો ઉછાળો જોવા મળ્યો હતો. જીરૂ એક મણના ભાવ 1000થી 2825 રૂ. બોલાયા હતા. તેવી જ રીતે તલમાં 25થી 50રૂ.નો સુધારો થયો હતો. તલ એક મણના ભાવ 1900 થી 2225 રૂ. તથા કાળા તલના ભાવ 2210થી 2250 રૂ. બોલાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.