હાલના સમયે લૂંટ, ચોરી, હુમલો અને હત્યાના બનાવો ખૂબ વધી જઈ રહ્યા છે. નાની એવી રકજક પણ મોટી ભયંકર ઘટનામાં પરિણમે છે. લોકોની ઓછી માનસિકતાને કારણે આવા બનાવો વધ્યા છે. ત્યારે આજરોજ રાજકોટના યાજ્ઞિક રોડ પર સરાજાહેર ખૂની હુમલાની ઘટના સામે આવી છે. યાજ્ઞિક રોડ પર હિરાપન્ના કોમ્પ્લેક્સના સિક્યુરીગાર્ડે મિતલ રાછ નામના વ્યક્તિ સાથે બોલાચાલી બાદ કાતર વડે ખૂની હુમલો કરતા અફરા તફરી મચી ગઈ હતી.
શું છે સમગ્ર મામલો
વિગતો મુજબ મિતલ રાછ નામનો વ્યક્તિ હીરા-પન્ના કોમ્પ્લેક્ષ પાસે પોતાનું બાઇક પાર્ક કરીને પાન ખાવા દરરોજ જાય છે, અને આજે પણ રોજની જેમ પાન ખાવા જતા સિક્યુરિટીએ તેને બાઇક પાર્ક કરવાની મનાઈ કરી હતી. પાર્કિંગ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને સમગ્ર મામલો વધુ ગરમાયો. બાદમાં હાથાપાઈ થયા બાદ સિક્યુરીટીએ પોતાની થેલી માંથી કાતર કાઢીને ખૂની હુમલો કર્યો. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ તત્કાલીન સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિક્યુરિટીમેનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા કર્મીએ નિભાવ્યો માનવ ધર્મ
આ બનાવ સમયે અબતક મીડિયાના રિપોર્ટર ઋષિ દવે તેમજ કેમેરામેન સાગર ગજ્જર યાજ્ઞિક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ સમગ્ર ઘટના નજરે પડી હતી અને તાત્કાલિક ધોરણે હાથપાઈ કરેલા બંનેને છોડાવી ઘાયલ વ્યક્તિ મીતલભાઈને રીક્ષામાં બેસાડી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.