- ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક પરિવર્તન આવશે: મનિષાબેન લવકુમાર શાહ
- વરિષ્ઠ ધારાશાસ્ત્રી હૃદય બુચ, પ્રો. વાઘેશ્વરી દેવી રાકેશ રાવ, સાયરા ગોરી, દેશ પ્રિયા દાસ સહિતના રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તજજ્ઞોનું માર્ગદર્શન
1 જુલાઈથી અમલમાં આવેલ ત્રણ નવા ભારતીય ફોજદારી ધારાના સંદર્ભમાં રાજ્ય કક્ષાની મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન રાજકોટ ખાતે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સહકારથી કરવામાં આવ્યું. રાજ્યભરના અગ્રણી ધારાશાસ્ત્રીઓ, પ્રાધ્યાપકો સંશોધકો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં દેશના અગ્રણી તજજ્ઞોએ સમગ્ર દિવસ દરમિયાન તલસ્પર્શી રીતે આ કાયદાઓના સંદર્ભમાં વિશદ જાણકારી આપી હતી. લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન અને પેટ્રન પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરાના પ્રયત્નોથી પ્રથમવાર રાજકોટ ખાતે ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો સહકાર પ્રાપ્ત થયેલ.
ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર વી કે .આહુજા, ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ શ્રીમતી મનીષાબેન લવકુમાર શાહ, ત્રણ નવા કાયદાઓમાં જેમનો ગહન અભ્યાસ છે તેવા દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વાઘેશ્વરી દેવી, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હૃદય બુચ, રાજ્ય સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસીક્યુશન શ્રી રાકેશ રાવ, ૠગકઞ ના ડો. સાયરા ગોરી, તથા દેશપ્રિયા દાસ સહિતના તજજ્ઞોએ આ કાર્ય શાળામાં માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળાને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંભળ્યો હતો. પ્રથમ વખત આ સ્વરૂપની કાર્યશાળાના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલ ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર પ્રોફેસર વી કે આહુજા એ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ સ્થાનો ઉપર કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ રાજકોટ ખાતે આયોજિત આજની કાર્યશાળા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
150 વર્ષ કરતાં વધારે સમયથી અમલમાં રહેલ ફોજદારી કાયદાઓ બદલાયા છે ત્યારે નવા અસ્તિત્વમાં આવેલ કાયદાઓ અંગે વ્યાપક સ્તરે આ પ્રકારની કાર્યશાળાઓ યોજાઈ તે ખૂબજ આવશ્યક છે
ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે આ કાર્યશાળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક સ્વરૂપે આ ત્રણ નવા કાયદાઓ અમલમાં આવતા પરિવર્તન આવશે. ખાસ કરીને સંગઠિત ગુનાખોરી, આતંકવાદ, સાયબર ક્રાઇમ મહિલાઓ સામેના ગુનાઓ સહિતની અનેક નૂતન બાબતો ત્રણ નવા કાયદામાં ઉમેરવામાં આવી છે, સજાના સંદર્ભમાં કોમ્યુનિટી સર્વિસ એટલે કે સમાજ સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે આ એક ક્રાંતિકારી બાબત છે.
પ્રારંભે કાર્યશાળાના આયોજનની ભૂમિકા આપતા વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે અહીં રાજ્યના વિવિધ ભાગોમાંથી ધારાશાસ્ત્રીઓ, મહિલા સંગઠનમાં કામ કરતા કાઉન્સેલરો, સરકારી વકીલશ્રીઓ, સંશોધકો અને કાયદા વિદ્યાશાખાના અધ્યાપકોને આવરી લઈ અને આ વર્કશોપનું આયોજન લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ ના સહકારથી કરવામાં આવ્યું છે અને આ કાર્યશાળામાં ગુજરાત નેશનલ યુનિવર્સિટીનું પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે,
ગુજરાતના બાહોશ ધારાશાસ્ત્રી હૃદય બુચ દ્વારા નવા ફોજદારી કાયદાના સંદર્ભમાં મુદ્દાસર સમન્વય સાથે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, હૃદય બુચે જણાવ્યું હતું કે નવા કાયદાનો અભ્યાસ કરતા સ્પષ્ટ પણે ખ્યાલ આવે છે કે વકીલોએ પણ કેટલીક બાબતોમાં ખાસ કાળજી લેવી પડશે, વધુ જાગૃત બનવાની આવશ્યકતા છે .
ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસીક્યુશન રાકેશ રાવ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા એટલે કે (જૂનો ઇન્ડિયન પીનલ કોડ) સેકસન 113 માં આતંકવાદી કૃત્યની વ્યાખ્યાનો વ્યાપ અને વિસ્તાર વધારવામાં આવ્યો છે
સમાપન સમારોહમાં સમગ્ર દિવસ દરમિયાન થયેલી ચર્ચાના તારણ સ્વરૂપ પ્રવચન કરતા લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પર્સન પ્રોફેસર કમલેશ જોષીપુરા એ જણાવ્યું હતું કે 250 જેટલા વિવિધ શ્રેણીના આ વિષય ઉપર જાણકારી માટે ઉત્સુક એવા વકીલો તેમજ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે,
આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતભાઈ જોશી, મંત્રી પી. સી. વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુક્લ, અર્જુનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી અશોકભાઈ શ્રોફ, સરકારી વકીલો જેઠવા, કેતન પંડ્યા સહિત સૌરાષ્ટ્રભરના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ સત્રોનું અધ્યક્ષ સ્થાન પ્રોફેસર ભરત મણીયાર, પ્રી.વિમલ પરમાર, સરકારી લો કોલેજના પ્રિન્સિપાલ મીનળબેન રાવલ, રાજેન્દ્ર દવે, ડોક્ટર એ. એચ. ચૌહાણ સહિતના વરિષ્ઠ અભ્યાસુ એ સંભાળ્યું હતું. પ્રારંભે મહેમાનોનો પરિચય નિર્મળસિંહ હેરમાં એ આપેલ.
ઉપક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રભાઈ દવે, આનંદ ચૌહાણ, હાઇકોર્ટના ધારાસાસ્ત્રી સમ્રાટભાઈ ઉપાધ્યાય, ચિરાગભાઈ ચૌહાણ, પૂર્વીબેન સોનેજી, સુરેન્દ્રનગરના પરેશભાઈ ડોબરીયા, ગોવિંદભાઈ વેકરીયા, ભાઈ શંકરભાઈ ઠાકર, ઉના લો કોલેજના પ્રિન્સિપાલ શાહ સહિતના અગ્રણીઓએ પ્રયત્નો કર્યા હતા.