સ્માર્ટ સિટી એરિયામાં નવી ટેકનોલોજી સાથે 1144 આવાસનું નિર્માણ: લોકાર્પણ માટે વડાપ્રધાનને અપાશે આમંત્રણ
કોર્પોરેશન દ્વારા રૂ.118 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિસ્તાર એવા રૈયામાં અદ્યતન ટેકનોલોજીની મદદથી લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ હવે પૂર્ણતાના આરે હોય ચાલુ મહિનાના અંતે લાભાર્થીઓને ફ્લેટ સોંપી દેવામાં આવશે. લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રણ આપવાની તજવીજ ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દેશના અલગ-અલગ 6 શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ ટેકનોલોજીની મદદથી આવાસ યોજનાનું કામ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સ્માર્ટ સિટી વિસ્તાર એવા રૈયામાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 118 કરોડના ખર્ચે 11 ટાવર બનાવી 1144 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રથમ અને અંતિમ એવી આવાસ યોજના છે કે જેમાં લાભાર્થીને ફ્લેટ સાથે ફર્નિચર પણ આપવામાં આવી રહ્યું છે.
3.39 લાખમાં લાભાર્થીને ફ્લેટ આપવામાં આવશે. ડ્રો અને આવાસની ફાળવણી સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોય હવે માત્ર ફિનીશીંગનું કામ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં આ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવશે અને લાભાર્થીઓને ફ્લેટ સોંપી દેવાશે.