લક્ષ્મીનગર અન્ડરબ્રિજ કમૂહુર્તા પછી ખૂલ્લો મુકાઇ તેવી સંભાવના, કે.કે.વી.ચોક, જડુસ ચોક, નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી બ્રિજની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થઇ જશે
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પાંચ સ્થળે બ્રિજ નિર્માણનું કામ ચાલુ છે. જેના કારણે અનેક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બ્રિજના નિર્માણ કામની સમિક્ષા કરવા માટે ગઇકાલે પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કોવિડના કારણે હોસ્પિટલ ચોક બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં 10 મહિના મોડુ પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ન્યૂ રાજકોટમાં હાલ ચાલી રહેલા 4 બ્રિજનું કામ નિર્ધારિત સમય એટલે કે વર્ષ-2023માં પુરૂં થઇ જશે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ માટે 10 ડિસેમ્બરે લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તે હવે કમૂહુર્તા પછી ખૂલ્લો મુકવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ હોસ્પિટલ ચોકમાં રૂ.84.71 કરોડના ખર્ચે થ્રી આર્મ બ્રિજ, રૂ.129.53 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક, રૂ.28.52 કરોડના ખર્ચે કાલાવડ રોડ જડુસ પાસે, રૂ.40.21 કરોડના ખર્ચે નાનામવા જંકશન પર અને રૂ.41.12 કરોડના ખર્ચે રામાપીર ચોક જંકશન પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરીની સમિક્ષા મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
હોસ્પિટલ ચોક બ્રિજમાં કુલ 39 પીઅર ફાઉન્ડેશનમાં 29 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થઇ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. કે.કે.વી. ચોક ફ્લાય ઓવરબ્રિજમાં કુલ 41 પીઅર ફાઉન્ડેશનમાં 26 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. કાલાવડ રોડ જડુસ ઓવરબ્રિજમાં કુલ 6 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે.
નાનામવા જંકશન ઓવરબ્રિજ ખાતે કુલ 26 પીઅર ફાઉન્ડેશનમાં 15 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. જયારે રામાપીર ચોક ઓવરબ્રિજમાં કુલ 28 પીઅર ફાઉન્ડેશનમાં 13 પીઅર ફાઉન્ડેશનની કામીગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે.હોસ્પિટલ ચોક બ્રિજની કામગીરી જુલાઈ 2021માં કામગીરી પૂર્ણ કરવાની થતી હતી.
પરંતુ કોવીડ-19ના કારણે સદરહુ કામગીરી દશ માસ જેટલી મોડી પૂર્ણ થશે. કે.કે.વી. ચોક બ્રિજની કામગીરી તા.21/01/2023, જડુસ ફ્લાય ઓવરબ્રિજ તા. 20/01/2023, નાનામવા સર્કલ બ્રિજની કામગીરી 20/07/2022 જયારે રામાપીર ચોક ઓવરબ્રિજની કામગીરી અંતિમ તા.20/07/2022 આપવામાં આવેલ છે. આ ચારેય બ્રિજ સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય અને હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રિજ પૂર્ણ કરવા મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને તાકિદ કરેલ. એજન્સી દ્વારા ચારેય બ્રિજ આપવામાં આવેલ સમય મર્યાદા પહેલા પુરી કરવામાં આવશે તેમ જણાવેલ. બ્રિજની કામગીરીની અને એજન્સીઓને જે કંઈ મુશ્કેલીઓ હોય તેની ગહન ચર્ચા કરવામાં આવી હતી.