પોલીસ હેડ ક્વાર્ટરમાં ધ્વજ વંદન કાર્યક્રમના બાઈક ઇવેન્ટમાં સ્ટંટ કરતી વેળાએ સર્જાઈ ઘટના
ગઇ કાલે ૨૬મી જાન્યુઆરીના રોજ દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા ધ્વજ વંદનના કાર્યક્રમમાં બાઈક ઇવેન્ટ દરમિયાન બાઈક સ્લીપ થતા મહિલા કોન્સ્ટેબલ ઘવાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ગંભીર રીતે ઇજા પહોંચતા મહિલા કોન્સ્ટેબલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા અને મહિલા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે દુર્ગા શક્તિ ટીમમાં ફરજ બજાવતા મુક્તાબેન હમીરભાઇ સોંદરવા નામના મહિલા કોન્સ્ટેબલ ગઈકાલે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા પ્રજાસત્તાક પર્વના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજર હતા. તે દરમિયાન યોજાયેલ બાઈક ઇવેન્ટ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ મુક્તાબેન સોંદરવાનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મુક્તાબેન સોંદરવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રનગર પોલીસ મથકના સ્ટાફે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.