ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદીમાં આવ્યા પુર: રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ડુબ્યું: લોકોના ટોળેટોળા ઉમટયા
રાજકોટ શહેરમાં ગુરુવારે માત્ર મેઘાડંબર વચ્ચે વરસાદી ઝાપટા પડયા હોવા છતાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે રાજકોટ શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. રામનાથદાદાનો મેઘરાજાએ જલાભિષેક કરતા લોકોના ટોળેટોળા દર્શનાર્થે ઉમટયા હતા.
રાજકોટની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે અનરાધાર વરસાદ પડયો હતો. જેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. વગર વરસાદે આજી નદી બે કાંઠે વહેવા લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. મેઘરાજાએ દર વર્ષની માફક આ વર્ષે પણ રામનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. નદીમાં અચાનક આવેલા પુરના કારણે રામનાથ મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પુરના પાણી સાથે ભેસુમાર ગંદકી પણ તણાઈને આવી હોય શિવભકતો સ્વયંભુ મંદિરની સફાઈમાં લાગી ગયા હતા. નદીમાં ઘોડાપુરના કારણે ચુનારાવાડ પાસેનો બેઠો પુલવાહન ચાલકો માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે જયારે રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ પડે છે ત્યારે આજી નદીમાં ઘોડાપુર આવતા હોય છે. પરંતુ ગઈકાલે શહેરમાં વગર વરસાદે આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને રામનાથ મહાદેવનો મેઘરાજાએ જલાભિષેક કરતા શહેરીજનો આજી નદીમાં વિશાળ જળરાશી જોવા માટે ઉમટી પડયા હતા. મોડીરાત સુધી વિસ્તારમાં લોકોની ચહલ-પહલ જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બંધ થતાની સાથે જ આજી નદીમાં પુર ઓસરી ગયા હતા.