સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કોલ્ડવેવ: અનેક શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં, કચ્છનું નલીયા ૭ ડિગ્રી સાથે ટાઢુબોળ: ગીરનાર પર્વત પર પણ પારો ૬ ડિગ્રી આસપાસ: કાલે પણ કોલ્ડવેવની સંભાવના
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે ગુજરાતમાં છેલ્લા એક પખવાડીયાથી કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે કોલ્ડવેવ જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે ચાલુ સાલ શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રાજકોટ ૮.૭ ડિગ્રી સાથે કાતિલ ઠંડીમાં ધ્રુજી ઉઠયું હતું. રાજયના અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં ગરકાવ થઈ ગયો હતો. આગામી ૨૪ કલાક સુધી હજી કોલ્ડવેવની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૮.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જે ચાલુ સાલ શિયાળાની સિઝનમાં સૌથી નીચું તાપમાન છે. આ પૂર્વે ગઈકાલે સૌથી નીચુ તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી નીચો પટકાતા શહેરીજનો કાતીલ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦ કિલો મીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૧.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. કાતીલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. મોર્નીંગ વોકમાં નિકળનારાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સીઝનનો સૌથી ઠંડો દિવસ રહેવા ઉપરાંત કાતિલ પવનના સુસવાટાના કારણે આજે લોકો દિવસભર ગરમ કપડામાં વિંટોળાયેલા જોવા મળ્યા હતા.
કચ્છના નલીયામાં પણ આજે હાર્ડ થ્રીજાવતી ઠંડી પડી હતી. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૬.૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. કચ્છના અનેક શહેરોમાં આજે ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા. જુનાગઢમાં પણ ઠંડીએ બોકાસો બોલાવી દીધો હતો. જુનાગઢમાં લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જયારે મહતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે માત્ર ૬ ડિગ્રીના તફાવતના કારણે દિવસભર કાતીલ ઠંડીનું જોર રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ૬ ડિગ્રી સુધી નીચો પટકાતા યાત્રિકો પણ ઠુંઠવાયા હતા.
અમરેલીમાં પણ આજે ગાત્રો થ્રિજાવતી ઠંડીનું જોર દેખાયું હતું. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૨.૪ કિલોમીટર રહેવા પામી હતી. ઉતરીય રાજયોમાંથી સતત ઠંડાગાર પવનો ફુંકાઈ રહ્યા હોવાના કારણે આવતીકાલે પણ રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજકોટ, નલીયા સહિત રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં પહોંચી જતા લોકો કાતિલ ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે તેવી સંભાવના જણાઈ રહી છે.