૭ નવેમ્બરે બાંગ્લાદેશ સામે અને ૧૭ જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે
બીસીસીઆઈ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ઘરઆંગણે રમાનારી ૨૦-૨૦ વન-ડે અને ટેસ્ટશ્રેણી માટેનો સતાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટને બે ઈન્ટરનેશનલ મેચ ફાળવવામાં આવ્યા છે. ૭ નવેમ્બરનાં રોજ ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેચ અને ૧૭મી રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાશે. ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં સ્ટેડિયમ ખાતે આ બંને મેચ ફાળવવામાં આવતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.
બીસીસીઆઈ દ્વારા ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ઘરઆંગણે ભારત પાંચ ટેસ્ટ, નવ વન-ડે અને ૧૨ મેચ રમશે. જેમાં રાજકોટને ૨ ઈન્ટરનેશનલ મેચની ફાળવણી કરવામાં આવી છે. બાંગ્લાદેશ સામે રાજકોટ ખાતે ભારત ૭ નવેમ્બરનાં રોજ ૨૦-૨૦ મેચ રમશે. જયારે ૧૭મી જાન્યુઆરીનાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત વન-ડે મેચ રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે કુલ ૬ આંતરરાષ્ટ્રીય મેચ અને આઈપીએલનાં ૧૦ મેચ રમાઈ ચુકયા છે જેમાં ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે મેચ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ સામે વન-ડે મેચ જયારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે ટેસ્ટ મેચ રમી ચુકયું છે.આ ઉપરાંત આઈપીએલમાં ગુજરાત લાયન્સની ટીમનું હોમ ગ્રાઉન્ડ રાજકોટ હોવાનાં કારણે અહીં આઈપીએલની પણ ૧૦ મેચ રમાઈ ચુકી છે. રાજકોટને બીસીસીઆઈ દ્વારા ઉપરા-ઉપરી બે આંતરરાષ્ટ્રીય મેચની ફાળવણી કરવામાં આવતા સૌરાષ્ટ્રભરનાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.