પૂર્વ મુખ્યમંત્રી, વર્તમાન મંત્રી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી રાજકોટમાં બે મહિલાઓ સહિત ચારેય નવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય ભાજપને ફળ્યો: હવે વિધાનસભામાં પણ મહિલા સશક્તિકરણ
ભાજપ માટે ગુજરાત અને એમાં પણ ખાસ કરીને રાજકોટ એક રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે. અહીં પક્ષ દ્વારા કોઇપણ નિર્ણય લેવામાં આવે તેને કાર્યકરો અને મતદારો સહર્ષ સ્વિકારી લેતાં હોય છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે અનેક પ્રયોગો કર્યા હતાં. 30 જેટલા કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખવામાં આવી હતી છતાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે રાજકોટ મહાનગર પાલિકા કબ્જે કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ સિનારિયો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકારણના એપી સેન્ટર ગણાતા રાજકોટ જેવા શહેરમાં ભાજપે પૂર્વ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના વર્તમાન મંત્રી, પૂર્વ મંત્રી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દીધી હતી. આટલું જ નહિં બે મહિલાઓ સહિત ચારેય નવા ચહેરાને વિધાનસભાના જંગમાં ઉતારવામાં આવ્યા હતા. જે પક્ષ માટે ફળદાયી સાબિત થયાં છે. પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાજકોટ શહેરનું નેતૃત્વ એક નહિં પરંતુ બબ્બે મહિલાઓ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજકોટ શહેરના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને ફરી ટિકિટ આપી ન હતી. તેઓના સ્થાને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને વિધાનસભાની ટિકિટ આપી હતી. રાજકોટની ચારેય બેઠકો પર ઓછું મતદાન થવાના કારણે રાજકીય પંડિતોમાં એવી ચર્ચા થતી હતી કે શું ભાજપ રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખવામાં સફળ રહેશે. આજે મતગણતરીના દિવસે એ વાત પૂરવાર થઇ ગઇ છે કે ગુજરાતમાં રાજકોટ શહેરએ ભાજપ માટે રાજકીય લેબોરેટરી છે. જેમાં કોઇપણ નિર્ણયો લેવામાં આવે તેનું પરિણામ હમેંશા ભાજપની તરફેણમાં જ આવે છે. એક સાથે બબ્બે મહિલાઓને ટિકિટ આપી છતાં ભાજપને મતદારોએ વિજય માળા પહેરાવી છે.
અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે રાજકોટ શહેરમાંથી એકસાથે બબ્બે મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હોય અને તેઓએ વિધાનસભામાં રાજકોટનું નેતૃત્વ કર્યું હોય પ્રથમ વખત હવે ગુજરાત વિધાનસભામાં એક નહિં પરંતુ બબ્બે મહિલાઓ રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે.