- કોર્પોરેશનનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ દેશ માટે આઇકોનીક સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સૌથી પ્રિય પ્રોજેક્ટ: ભૂપેન્દ્રભાઇ પટેલ
- કોર્પોરેશનના રૂ.793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા મુખ્યપ્રધાન
રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકાના રૂ.793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.569.19 કરોડના ચાર પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.242.26 કરોડના ચાર પ્રકલ્પોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશનના 1010 આવાસનો જ્યારે રૂડાના ઇડબલ્યૂએસ-2 કેટેગરીના 210 આવાસ લાભાર્થીઓને ફાળવવા માટે કોમ્પ્યૂટર રાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ એવી ઘોષણા કરી હતી કે જે રીતે કેન્દ્ર સરકારના નિતી આયોગ દ્વારા સુરત શહેરને ઇકોનોમીક ડેવલપમેન્ટ પ્લાન બનાવી વિકસાવવામાં આવી રહ્યું છે. તે રીતે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ માટે પણ ઇકોનોમીક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. દેશ માટે આઇકોનીક બની ગયેલા રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સૌથી પ્રિય પ્રોજેક્ટ છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતની જનતા જનાર્દનએ ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જન સેવાની વધુ એક તક આપી. એ જનસેવાની પાછલા બે વર્ષમાં આપણી આ ડબલ એન્જીન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યબદ્ધ રહીને પુરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે. ગુજરાતનું બજેટ વધાર્યું જેનાથી વિકાસ સતત વધતો રહે છે. એક જ દિવસમાં કરોડોના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં “ઇઝ ઓફ લિવિંગ” સતત વધતું રહ્યું છે અને હેપીનેસનું પ્રમાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. સિટી ડેવલપમેન્ટ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપને વિકસિત ગુજરાત 2047 માટે સુંદર આયોજન કર્યું છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના” ગુજરાત 14 લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. એમાં પણ રાજકોટનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશનો આઇકોનિક અને નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રોજેક્ટ છે. આજે રાજકોટમાં વધુ 1220 આવાસોનો ડ્રોથયો છે. લોકોને પોતાના સ્વપ્નાનું ઘરનો લાભ પ્રાપ્ત થવાનો છે.
ટ્રાફિક પરિવહન હળવું થાય તે માટે 22 નવી સી.એન.જી.બસના લોકાર્પણથી રાજકોટની જનતાને વધુ સારી પરિવહન સેવા મળશે.આજે દેશભરમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે.આપણે સ્વચ્છતાને અપનાવીએ, વૃક્ષો વાવીએ, વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને ખરા અર્થમાં વિકસિત ભારતમાં સહયોગી બનીએ.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ આજે જે લોકોને પોતાનું ઘરનું ઘર ડ્રો દ્વારા પ્રાપ્ત થવાનું છે તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ-બહેનોને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા વિશ્ર્વનેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આમ ડબલ એન્જિનવાળી સરકાર સતત ચિંતા કરી રહી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવાર માટે રાજકોટ શહેરમાં 33,000 આવાસોનું નિર્માણ કરી, જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઈપલાઈન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાલક્રીંડાગણ સહિતની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે.
આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, રૂડાના ચેરમેન જી.વી.મિયાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.