અકસ્માતના ત્રણ બનાવમાં પ્રૌઢા સહિત ત્રણે જીવ ગુમાવ્યો
રાજકોટ અને આસપાસના ગામમાં જુદા જુદા ત્રણ અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો હતો. જેમાં આજરોજ વહેલી સવારે રાજકોટમાં કોઠારીયા ચોકડી પાસે પતિની નજર સામે બાઈક પરથી પટકાતા પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પીપળીયા મિત્રને મળી પરત ફરતી વેળાએ અજાણ્યા વાહનની ઠોકરે ઘવાયેલા ખાંભાના યુવાનને કાળ ભેટ્યો હતો. જ્યારે જસદણના કમળાપુર ગામ પાસે ચોટીલાના વડાળી ગામનું દંપતી ખંડિત થયું હતું. જેમાં પતિ પાછળ બેઠેલા વૃદ્ધા બાઈક પરથી પટકાતા સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર પારસ પાર્ક સોસાયટીમાં રહેતા નયનાબેન મનજીભાઈ ગોંડલિયા નામના ૫૦ વર્ષીય મહિલાનું આજીડેમ ચોકડી પાસે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક નયનાબેન અને તેમના પતિ મનજીભાઈ આજરોજ વહેલી સવારે ઘરેથી ગોલિડા ગામે વાસંગિ દાદાને ત્યાં હવનમાં જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે દંપતી આજીડેમ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે શ્વાન પાછળ દોડતા મનજીભાઈએ બાઈક ઉભુ રાખી દીધું હતું. ત્યારે કૂતરાએ નયનાબેનની સાડીનો છેડો પકડી લેતા શ્વાનને તગડવા જતા પ્રૌઢાએ બેલેન્સ ગુમાવતા તે પડી ગયા હતા.
જેથી નયના બેનને પ્રથમ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ નયનાબેનએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જ્યારે અન્ય બનાવમાં જાણવા મળ્યા મુજબ લોધીકા તાલુકાના ખાંભા ગામે રહેતા અને ખેતી કામ કરતા જયરાજસિંહ મનહરસિંહ જાડેજા નામના ૩૯ વર્ષીય યુવાન ગત રાત્રીના પોતાના સ્કૂટર પર મિત્રને મળવા પીપળીયા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ખાંભા અને પીપળીયા વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવાનના સ્કુટરને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જયરાજસિંહ જાડેજા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાનના આકસ્મિક મોતથી બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
તે ઉપરાંત ત્રીજા બનાવમાં ચોટીલા તાલુકાના વડાડી ગામે રહેતા પુરીબેન દાનાભાઈ કાનગડ નામના ૭૩ વર્ષીય વૃદ્ધનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક પૂરીબેન પોતાના પતિ દાનાભાઇ સાથે બાઈક પર ગત તા.૧૮મી માર્ચના રોજ કમળાપુર દવા લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે કમળાપુર પાસે બાઈક સ્લીપ થઇ જતાં વૃદ્ધ દંપતિ ખંડિત થયું હતું અને પત્નીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.