હયાત 9 મીટરનો રોડ 15 મીટર પહોળો કરી 24 મીટરનો કરાશે: રેલવેએ મંજૂરી આપતા કોર્પોરેશને યુદ્વના ધોરણે કામગીરી આરંભી

જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતા લક્ષ્મીનગરના નાલા ખાતે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરમિયાન બ્રિજને લાગૂ ત્રણ એપ્રોચ રોડ પહોળા કરવા માટે લાઇનો પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા રોડ પહોળો કરવા માટે મંજૂરીમાં ઢીલ દાખવવામાં આવતી હતી. દરમિયાન દિલ્હીથી આદેશ છૂટતા રાજકોટ રેલવે દ્વારા તાત્કાલીક રોડ પહોળો કરવા મંજૂરી આપી દેવામાં આવી હોય કોર્પોરેશન દ્વારા યુદ્વના ધોરણે લક્ષ્મીનગર બ્રિજથી ભક્તિનગર સ્ટેશન તરફનો રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ લક્ષ્મીનગર બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ અલગ-અલગ ત્રણ એપ્રોચ રોડને પહોળા કરવા માટે કોર્પોરેશન દ્વારા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બ્રિજથી ભક્તિનગર રેલવે સ્ટેશન તરફનો 9 મીટરનો રોડ 15 મીટર વધુ પહોળો કરી 24 મીટરનો કરવાનો થાય છે. જ્યારે બ્રિજથી ડાબી તરફનો મોદી સ્કૂલથી એસ્ટ્રોનના નાલા તરફનો રોડ 9 મીટરનો છે જે 15 મીટર સુધી અને વિરાણી હાઇસ્કૂલ પાસે નીકળતો વનવે પણ 9 મીટરથી લઇ 15 મીટર સુધી પહોળો કરવામાં આવનાર છે. આ માટે રેલવેની જમીન કપાતમાં આવતી હોવાના કારણે રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવતી ન હતી. તાજેતરમાં કોર્પોરેશન કચેરી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ અને ભાવનગર ડિવીઝનના ડીઆરએમ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ખૂબ જ કડક ભાષામાં રેલવેના અધિકારીઓને ખખડાવ્યા હતા. સાથોસાથ એવું પણ જણાવ્યું હતું કે રોડ પહોળો કરવાની કામગીરી જનતા સુખાકારી માટેની છે. રસ્તો પહોળો કરી કોર્પોરેશન પોતાની પાસે રાખવાનું નથી. નિયમ મુજબ રેલવેએ મંજૂરી આપવી જોઇએ. સાંસદે આ વાત સંદર્ભે રેલવે મંત્રીનું પણ ધ્યાન દોર્યું હતું. દિલ્હીથી આદેશ છૂટતા રેલવે દ્વારા તાત્કાલીક અસરથી રોડ પહોળો કરવા મંજૂરી આપી દેવામાં આવી હતી. લક્ષ્મીનગર બ્રિજથી ભક્તિનગર રેલવે સ્ટેશન તરફ બાવીસી પ્લાયવુડથી સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર સુધીનો રસ્તો પહોળો કરવાનો થાય છે. જેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે.

રેલવેની જમીન પરથી કચરો ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અહિં ડામર કામ પણ કરી દેવામાં આવશે. ત્યારબાદ બ્રિજની સામેની બાજુ એસ્ટ્રોનના નાલા તરફ અને મોદી સ્કૂલથી વિરાણી હાઇસ્કૂલ તરફની રોડ પણ પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. બ્રિજને લાગૂ ત્રણેય રસ્તાઓ પહોળા કરાયા બાદ ટ્રાફીકની સમસ્યા મહદઅંશે હલ થઇ જશે. આજે સવારે બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલ, ડેપ્યૂટી મ્યુનિ.કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર એચ.એમ.કોટક અને પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારે રોડ પહોળો કરવા માટે ચાલતી કામગીરીની સમિક્ષા કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.