ઈડબલ્યુએસ-1 કેટેગરીના 1648 અને એમઆઈજી કેટેગરી-847 આવાસ માટેના ફોર્મ હવે 23મી જુલાઈ સુધી મેળવી પરત આપી શકાશે
કોર્પોરેશન દ્વારા એમઆઈજી અંતર્ગત 3 બેડ, હોલ, કિચનની સુવિધાવાળા 847 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. 60 ચો.મી. કાર્પેટ ધરાવતા આ આવાસ યોજનાની કિંમત બજાર ભાવ જેટલી એટલે કે, 24 લાખ રૂપિયાના હોવાના કારણે તેનું કોઈ લેવાલ થતું નથી. જેના કારણે એમઆઈજી અને ઈડબલ્યુએસ-1 કેટેગરીના કુલ 2495 આવાસ માટે ફોર્મ વિતરણ અને પરત સ્વીકારવાની તારીખ 1 પખવાડિયુ લંબાવવામાં આવી છે. આઈસીઆઈસીઆઈ બેંકની જુદી જુદી 6 શાખાઓ અને કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટર ખાતે આવાસના ફોર્મ મેળવી પરત આપી શકાશે.
આ અંગે સત્તાવાર જાહેરાત કરતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને હાઉસીંગ કમીટીના ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ કેટેગરીના 1648 અને એમઆઈજીના 647 સહિત કુલ 2495 આવાસની બાંધકામની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ઈડબલ્યુએસ 1648 આવાસ માટે 2421 ફોર્મ ઉપડ્યા હતા. 1184 ફોર્મ ભરાઈ પરત આવ્યા હતા. જ્યારે એમઆઈજી કેટેગરીના 847 આવાસ માટે 919 ફોર્મ ઉપડ્યા હતા અને માત્ર 116 ફોર્મ જ પરત આવ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે 2595 આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદત 23મી જુલાઈ સુધી વધારવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, વાર્ષિક રૂા.3 લાખ સુધીની આવક ધરાવતો પરિવાર ઈડબલ્યુએસ કેટેગરીના આવાસ માટે લાભાર્થી રહેશે. ફોર્મ સાથે 3 હજાર ડિપોઝીટ ભરવાની રહેશે અને આ યોજનામાં 30 ચો.મી.નો કાર્પેટ ધરાવતું એક રૂમ, સ્ટડી રૂમ, હોલ, રસોડુ, વોશરૂમ અને બાથરૂમ ટોયલેટ સુવિધા સાથે આવાસ 3 લાખ રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે એમઆઈજી કેટેગરીમાં પરિવારની વાર્ષિક મહત્તમ આવક 6 લાખથી 7.5 લાખ નિયત કરવામાં આવી છે. જેમાં લાભાર્થીને 60 ચો.મી. કાર્પેટ ધરાવતા ફલેટ જેમાં 2 બેડરૂમ, એક સ્ટડી રૂમ, હોલ, રસોડુ, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડીંગ બાલ્કની રહેશે. આ આવાસની કિંમત રૂા.24 લાખ નિયત કરવામાં આવી છે. આગામી 23મી જુલાઈ સુધીમાં સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરના 3 સુધી અને આઈસીઆઈસી બેંકમાં પણ 10:30 થી 3: 00 વાગ્યા સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે અને પરત સ્વીકારવામાં આવશે.