ભાજપના પ્રતિષ્ઠિત વ્યક્તિને છાવરવા નવાણિયા કુટાયા!!!
કોઠારીયાની સર્વે નંબર 352 પૈકીની સરકારી જમીન બારોબાર વેંચી મારવાના અને ભાડે ચડાવી આર્થિક લાભ મેળવવાના કારસ્તાન પાછળ શું ખરેખર મજૂરી કામ કરતા ઇસમો જ જવાબદાર હતા કે પછી પડદા પાછળ રહીને કોઈ અન્ય કલાકારે કારીગરી કરી હોય તે સવાલ ઉદ્ભવયો છે. કોઠારીયાની સાંઈબાબા સર્કલ પાસે આવેલી 6000 વાર જેવડી વિશાળ જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવી વેંચી મારવાના કારસ્તાનમાં આજીડેમ પોલીસે ચોક્કસ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટનું શસ્ત્ર ઉગામ્યુ હતું પરંતુ આ શસ્ત્રથી ફક્ત મુહરાઓને જ દંડાયા અને વઝિરને છાવરી લેવામાં આવ્યો તેવી ચર્ચાએ કોઠારીયા વિસ્તારમાં જોર પકડ્યું છે.
એક રાજકીય આગેવાને સમગ્ર કૌભાંડ આચરવા માટે પીઠબળ પૂરું પાડ્યું. એટલું જ નહીં પરંતુ જે મજૂરોને સરકારી જમીન અંગેની સહેજ માત્ર પણ માહિતી ન હતી તેમને બાંધકામ કરવા માટે દુષપ્રેરણ કરનાર રાજકીય આગેવાનનું નામ પકડાયેલા આરોપીઓએ પોલીસ નિવેદનમાં ખોલ્યું જ હતું પરંતુ આ શખ્સ વિરુદ્ધ પગલાં નહિ લેવા શહેર ભાજપ અગ્રણીએ ફોન કરી દીધાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
કોઠારીયાની સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે વેંચી દેવા અંગે લેન્ડ ગ્રેબીંગ હેઠળ નોંધાયેલા ગુનામાં આજીડેમ પોલીસે છ આરોપીઓમાં દિપક બાબુભાઈ પરમાર(રહે.રણુજા મંદિરની સામે, વચ્છરાજનગર), બિપિન દેવજી પરમાર (રહે.હરિદ્વાર સોસાયટી, શેરી નં-3, કોઠીયાર સોલવન્ટ), રાવત રામભાઈ ભેળા(રહે.વચ્છરાજનગર શેરી નં-1), હિતેષ પ્રેમસિંહ ગોહેલ(રહે.અંબાજી કડવા પ્લોટ શેરી નં-ર, નીજાનંદ એપાર્ટમેન્ટ), જીજ્ઞોશ ઉર્ફે જીગો ધીરૃભાઈ કુંનડા (રહે. ખોડીયારનગર શેરી નં-3, ગોંડલ રોડ) અને ભરત જાદવ ગાજીપરા (રહે.આશોપાલવ સોસાયટી, શેરી નં-4, કોઠારીયા રોડ)ની ધરપકડ કરાઈ હતી. જે બાદ પાછળથી વધુ બે શખ્સો નિલેશ ઠાકર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોઠારીયા સર્વે નં-352 ની આશરે 6000 ચો.મી. જમીનમાં આરોપીઓએ 18 શેડ, બે ઓરડીઓ અને બે વંડા સહિતનું બાંધકામ ખડકી એઆઈએમએસ પાર્ક (સુચિત)ના નામે બોગસ દસ્તાવેજ બનાવી તેનું વેંચાણ અગર તો ભાડે આપવાનું કૃત્ય કરતા આખરે આ જમીન કૌભાંડ અંગે લેન્ડ ગ્રેબીંગ એકટ હેટળ કુલ ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવાઈ હતી.
આજીડેમ પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ છ આરોપીઓની સંડોવણી ખુલતા તમામની ધરપકડ કરાઈ હતી. આરોપી દિપક કડીયાકામની મજુરી, બીપીન ક્ષૌરકર્મ, રાવત અને હિતેષ છુટક મજુરી અને ભરત સેન્ટીગ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. હવે મહત્વનો સવાલ એ છે કે, જેટલાં પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે બધાં મજૂરી કામ કરતા મજૂરો હતા તો શું મજૂરો જેઓ દાળીયું કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હોય છે તેઓ આટલું મોટું કૌભાંડ કોઈના પીઠબળ વિના આચરી શકે?
સમગ્ર કૌભાંડમાં એક રાજકીય આગેવાને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓએ આ જ વિસ્તારના એક રાજકીય આગેવાને સમગ્ર કૌભાંડ આચરવા માટે પીઠબળ પૂરું પાડયાની કબૂલાત આપી હતી. પોતે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે સક્રિય હોવાથી સરકારી ખરાબા અંગેની તમામ વિગતો જાણતો હોવાથી તેણે જ આ કૌભાંડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. બાંધકામ થઈ ગયા બાદ એક-એક શેડ રૂ. 22 થી 25 લાખ સુધી વેંચવામાં આવ્યા હતા. જેમણે રોકડ નાણાં આપીને શેડ ખરીદ્યા હતા તેમની મૂડી ગઈ, શેડ પણ ગયો અને અધૂરામાં પૂરું અમુક ખરીદનારને તો પોલીસે આરોપી બનાવી દીધા તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
6000 વાર સરકારી જમીન બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં નાની માછલીઓ જ દંડાઈ?
પોલીસ ચોપડે ખૂલેલા નામ પર ‘ચોકડી’ કોણે મારી દીધી?
પકડાયેલા આરોપીઓએ તે જ વિસ્તારમાં લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે સક્રિય શખ્સ જ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે તેવું કબુલ્યું હતું. તો પછી તે શખ્સની ધરપકડ તો ઠીક પણ પૂછપરછ માટે પણ તેંડુ નહીં મોકલાતા અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. આ શખ્સે રાજકીય ક્ષેત્રે ભામાશા ગણાતા અગ્રણી પાસે ફોન કરાવી દીધાની ચર્ચા ખુદ પોલીસ વર્તુળોમાં થઈ રહી છે. જે તે સમયે ભામાશા પાસે મોટાભાગની સતા હોવાથી પોલીસે પણ ત્યાં ’સલામી’ તો ભરવી જ પડતી હતી ત્યારે ભામાશાએ કરેલા હુકમનો અનાદર તો પોલીસ કરી જ શકે નહીં જેથી નિવેદનમાં ખુલેલા નામ પર ચોકડી મારી દીધાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા જ પડદા પાછળનો કારીગર થયો હતો રઘવાયો !!
જે રીતે પ્રથમ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો અને ત્યારબાદ ક્રમશ: વધુ ત્રણ અને બે આરોપીઓની ધરપકડ થઈ ત્યારથી જ પડદા પાછળનો કારીગર રઘવાયો થઈને પોલીસ સ્ટેશનથી માંડીને કમિશ્નર કચેરી સુધીના આંટાફેરા કરી ચોગઠા ગોઠવવા રઘવાયો થયો હતો. તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનના ચક્કર વધારી દેનાર આ શખ્સ પર પ્રાથમિક દ્રષ્ટિએ તો પોલીસને પણ શંકા થઈ જ હશે અને ત્યારબાદ સતાવાર રીતે નિવેદનમાં નામ ખુલતા રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો પરંતુ પોલીસ એક્શન લ્યે તે પૂર્વે જ ઉપરી કક્ષાએથી રિએક્શન આવી જતા પોલીસ પગલાં નહીં લેવા મજબૂર થઈ ગઈ હતી તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે.
‘મારે કમિશનર-કલેકટર સાથે સીધો સંપર્ક છે’ પાયાવિહોણા આશ્ર્વાસન આપી નબળા લોકોને ‘ફિટ’ કરનારો કોણ?
કૌભાંડ પાછળનો મુખ્ય સૂત્રધાર સૌને એવું કહેતો ફરે છે કે, મારે કલેકટર-કમિશ્નર સાથે સીધો છેડો છે. કૌભાંડ આચર્યા બાદ જ્યારે ફરિયાદ નોંધાઇ ત્યારે પણ પકડાયેલા આરોપીઓના પરિવારજનોને ખોટી સાંત્વના આપતા સૂત્રધારે આ જ શબ્દો ઉચાર્યા હતા અને કહ્યું હતું કે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કશું જ થશે નહીં, હું હમણાં જ તમામને હેમખેમ છોડાવી લઈશ તેવી ઉંચી ઉંચી પણ આ શખ્સે કરી હતી. હાલ પકડાયેલા તમામ આરોપીઓનો પરિવાર વિલોપ કરી રહ્યો છે અને સૂત્રધાર હવે નવું કૌભાંડ આચરવા તૈયારી કરી રહ્યો છે.