કોરોના વાયરસ તો ફરી દોડતો થયો છે પણ આ સાથે સરકાર અને સ્થાનિક તંત્રને પણ દોડતી કરી દીધી છે. વધતા જતા કેસએ સરકારની ચિંતા વધારી છે. ગુજરાતમાં દીન પ્રતિદિન કોવિડ કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યમાં હાલ દરરોજ 2000 કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં સરેરાશ 200 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જે ખતરાની ઘંટડી સમાન છે. વકરતી આ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કોરોનાને નાથવા ખુદ મેયર મેદાનમાં ઉતર્યા છે. ગત સપ્તાહમાં રસ્તા પર લોકોને માસ્ક વિતરણ કર્યા બાદ આજરોજ રાજકોટ મેયર ડૉ. પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ સહિતના પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આજરોજ રાજકોટના નવનિયુક્ત મેયર ડોક્ટર પ્રદીપ ડવ તેમજ ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતા બેન શાહ સહિતના પદાધિકારીઓએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું જ નહીં મૈયર પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર દર્શનાબેન શાહે કોરોનાગ્રસ્ત દર્દીઓને વિડીયોકોલ કરી હાલચાલ પૂછ્યા હતા. તેમજ પીપીઈ કીટ પહેરી કોવિડ સેન્ટરની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળ્યા પણ હતા.
ખાનગી હોસ્પિટલ જેમ જ સરકારી હોસ્પિટલમાં સેવા મળતી થઈ
મેયર ડૉ. પ્રદીપ ડવ અને ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહની મુલાકાત દરમિયાન દર્દીઓએ જણાવ્યું કે, તેઓ સિવિલ હોસ્પિટલ અને અહીંના ડોકટર, સ્ટાફની સેવાથી સંતુષ્ટ છે. હાલ ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ દવાઓ અને ખર્ચાઓ થાય છે એવી સેવા અહીં મફતમાં મળતી થઈ છે.
રાજકોટમાં ટેસ્ટિંગ બુથ અને વેક્સિન બુથ વધારાશે
સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાતી સેવા વિશે માહિતી મેળવી મેયર પ્રદીપ ડવએ જણાવ્યું કે, શહેરમાં વકરતા કોરોનાને નાથવા તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે. રાજકોટમાં હજુ ટેસ્ટિંગ બુથ અને વેક્સિન બુથ વધારવામાં આવશે. રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ થમી રહ્યો નથી. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાંથી ઉગરવા વિશ્વના મોટાભાગના તમામ દેશોમાં રસીકરણની પ્રક્રિયા જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. તેમ છતાં હાલ કોરોના કેસ દિન પ્રતિદિન ઝડપભેર વધી જઈ રહ્યા છે. દેશમાં થોડા સમયના બ્રેક બાદ વાયરસએ ફરી માથું ઉચકતાં ફરી મોટુ જોખમ ઊભું થયું છે. દરરોજના ૫૦ થી ૫૫ હજારની આસપાસ સરેરાશ કેસ નોંધાતા ભારત વિશ્વમાં ફરી ટોચના ત્રીજા ક્રમે આવી પહોંચ્યું છે. એમાં પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ગુજરાત પર પણ જોખમ ઊભું થયું છે. વકરતા કોરોનાને નાથવા તંત્ર પણ ઉંધે કાંધ થયું છે લ. કોવિડ સેન્ટરોમાં બેડની વ્યવસ્થા તેમજ ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ વધારી દેવાયું છે તો નિયમો પણ વધુ કડક બનાવી દેવાયા છે.