700થી વધુ સંવેદનશીલ બુથ, સૌથી ઓછું મતદાન થતું હોય તેવા 63 બુથ : હાલ સુધીમાં જિલ્લાને પેરામિલિટરી ફોર્સની 9 કંપનીઓ મળી
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી વખતે સુરક્ષા જળવાઈ રહે તે માટે અંદાજે 1000થી વધુ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેથી મતદાનની પ્રક્રિયા ઉપર સતત નિરીક્ષણ રહે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુ દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠક ઉપર ન્યાયિક અને પારદર્શિતાથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. લોકો નિર્ભયપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર તમામ પ્રકારનો અંકુશ રખાશે.
વધુમાં તેઓએ વિગતો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચના નિયમ મુજબ રાજકોટ જિલ્લાના 50 ટકા બુથ ઉપરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવનાર છે. જેથી આઠેય વિધાનસભા બેઠકના અંદાજે 1000થી વધુ બુથ ઉપરથી વેબકાસ્ટિંગ થશે. મતલબ કે આ બુથ ઉપર સીસીટીવી કેમરા કાર્યરત હશે. જેનું નિરીક્ષણ સતત ઉપરી કક્ષાએથી થતું રહેશે.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે રાજકોટ જિલ્લામાં અંદાજે 700થી વધુ બુથ સંવેદનશીલ છે. આ તમામ બુથમાં મોટાભાગમાં બુથ શહેરી વિસ્તારના છે.
આ તમામ બુથ ઉપર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત આ બુથ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે આઠેય વિધાનસભામાં 63 બુથ એવા છે જેમાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બુથ ઉપર પણ સુરક્ષાની દ્રષ્ટિએ વધુ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ત્યાં મતદાન જાગૃતિ આવે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજકોટ જિલ્લાબે હાલ સુધીમાં 9 પેરા મિલિટરી કંપની મળી છે. જેના દ્વારા વિવિધ રૂટ ઉપર માર્ચ પાસ્ટ પણ કરવામાં આવી રહી છે. અને પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને ખૂબ મજબૂત બનાવવામાં આવી છે.