સ્માર્ટ સિટીની વાતો પરંતુ વોર્ડ નં.૯માં સુવિધાઓનો અભાવ: આ વખતે પ્રજા ભાજપને ઓળખી ગઈ છે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આજરોજ ‘અબતક’ને ચૂંટણી જંગ અને ભવિષ્યની તૈયારીઓ અંગે વિગતો આપવા વોર્ડ નં.૯ના ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે મુલાકાત દરમિયાન ચૂંટણીમાં પોતાની સોએ સો ટકા જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
રાજકોટ શહેરના વોર્ડ નં.૯ના વિશાલભાઈ દોંગા, અર્જૂન ગુજેરીયા, પ્રતિમાબેન વ્યાસ અને ચંદ્રીકાબેન ઘરસંડીયા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ચૂક્યા છે. આગેવાનોએ આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વોર્ડ નં.૯માં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કામ થયા નથી. માત્ર પોતાની શેરી-ગલીઓમાં સફાઈ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. અન્ય લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. માસ્ક અને મેમો એવા બે પ્રશ્ર્નો છે જેનાથી લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ખફા છે. ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે મેમા આપવાનું બંધ કર્યું છે. ચૂંટણી આવતા જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાના સ્વપ્ન જોવાય છે પરંતુ વોર્ડ નં.૯માં સ્માર્ટ સિટી ગણાય તેવું કશું નથી. મુખ્યમંત્રી રૂપાણી કે કમલેશ મિરાણી પોતાના સ્થાનિક ક્ષેત્રમાં ધ્યાન આપતા નથી. અધુરામાં પૂરું ભાજપ પાસે ત્યાંના સ્થાનિક ઉમેદવાર પણ નથી. તેલ, પેટ્રોલના ભાવ વધ્યા છે પરંતુ લોકોની આવક વધી નથી. સરકારી સ્કૂલો બંધ કરી છે અને તેમની પ્રાઈવેટ સ્કૂલો ઉપર ધ્યાન અપાય છે. હવે આ વખતે પ્રજા સમજી ગઈ છે. ગૃહિણીઓને પણ ખુબ સહન કરવું પડ્યું છે. આ મુલાકાત સમયે કોંગી આગેવાન મનસુખભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.