• મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂ.2817.81 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.25.71 કરોડના વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.2843.52 કરોડનું બજેટ મંજૂર: વેરા બિલમાં નામ ટ્રાન્સફર ફીમાં તોતીંગ વધારાની દરખાસ્ત પણ નામંજૂર
  • રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ખૂલ્લા પ્લોટ પર વસૂલાતા વેરામાં વધારો કરતી સ્ટેન્ડિંગ: બજેટને બહાલી આપવા 19મીએ જનરલ બોર્ડ

DSC 0018 removebg previewરાજકોટ મહાનગરપાલિકાની વર્ષ-2024-2025નું રૂ.2843.52 કરોડના અંદાજ પત્રને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. મ્યુનિ.કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં પાણીવેરો અને ગાર્બેજ ચાર્જમાં વધારો કરવા સહિત રાજકોટવાસીઓ પર 17.77 કરોડનો કરબોજ લાદવાની ભલામણ કરી હતી. જે કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા લોકસભાની ચૂંટણી વર્ષમાં નામંજૂર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાને 50 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે રૂ.50 કરોડની નવી 18 યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ રૂ.2817.81 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 25.71 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટને બહાલી આપવા માટે આગામી 19મી ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. પોતાના પ્રથમ બજેટમાં જ ચેરમેન જયમીન ઠાકર 100 ટકા માર્ક્સ સાથે પાસ થયા છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના સતત વધતા વિસ્તારને ધ્યાનમાં રાખી સાઉથ ઝોન બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ-2023-2024ના રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2024-2025ના અંદાજ પત્રને બહાલી અપાયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે ભાજપના શાસકોની બીજી ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીએ ગહન અભ્યાસ, મંથન અને કોર્પોરેશનની સેવા તથા જવાબદારી સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્ાઓને ધ્યાનમાં રાખીને બજેટ મંજૂર કર્યું છે. વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 મહાનગરોમાં સામેલ થયેલું રાજકોટ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. ત્યારે લોકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રૂ.2817.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પાણીવેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરી રૂ.17.70 કરોડનો કરબોજ રાજકોટવાસીઓ પર લાદવાની ભલામણ કરી હતી.

રાજકોટની પ્રજાને હાલના કરવેરાનું પુરેપુરૂં વળતર મળે, સેવાઓથી સંતોષ વધે અને વધુ સુવિધા મળે તે વાતને ધ્યાનમાં રાખી નવી કર વધારાની દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે. સાથોસાથ બજેટના કદમાં રૂ.25.71 કરોડનો વધારો કરી રૂ.2843.52 કરોડનું અંદાજ પત્ર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. લોકોને વધુ સંતોષજનક સુવિધા આપવાના પ્રયાસો વધારવા અને આવકના સ્ત્રોત વધુ મજબૂત કરીને આત્મર્નિભર ચૂંટાઇ પાંખ અને વહિવટી પાંખ ખભ્ભેખભા મિલાવીને કામ કરશે. આવનારા દિવસોમાં મહાપાલિકા માટે આવકના વધારાના સ્ત્રોત ઉભા કરવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે 19 નવેમ્બર, 1973ના રોજ રાજકોટ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. તાજેતરમાં મહાપાલિકાને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ સુવર્ણ અવસરે રાજકોટની જનતાને નવા નાણાકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા અને સગવડ મળી રહે તે માટે રૂ.50 કરોડની નવી 18 યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે. હાલ શહેરમાં સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન એમ ત્રણ ઝોન છે. હવે સાઉથ ઝોન બનાવવામાં આવશે. કોર્પોરેટરો, હોદ્ાની રૂએ મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને મળતી વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે.

Rajkot: Water-garbage tax hike rejected: South zone announced
Rajkot: Water-garbage tax hike rejected: South zone announced

આજી-જીઆઇડીસીને જોડતો નવો બ્રિજ બનશે, નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે, વાઇટ ટોપિંગ સેલ ઉભો કરાશે, વોર્ડ ઓફિસનું નવિનીકરણ, સ્માર્ટ સોસાયટીઓની ગ્રાન્ટમાં વધારો, નવા સ્મશાન, ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ, નવા મહિલા હોર્ક્સ ઝોન અને નવી લાયબ્રેરી બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે. વેરાબિલમાં નામ ટ્રાન્સફર કરાવવા માટેની ફીમાં તોતીંગ વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે નામંજૂર કરાઇ છે.

સાથોસાથ નામ ટ્રાન્સફર માટે જે રૂ.250 ડિપોઝીટ વસૂલ કરવામાં આવતી હતી. તે હવે ટ્રાન્સફર ફી પેટે લેવામાં આવશે. આ ઉપરાંત ખૂલ્લા પ્લોટ પર વસૂલવામાં આવતા વેરામાં વધારો કરવાની દરખાસ્ત નામંજૂર કરાઇ છે. એકમાત્ર રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.32માં ખૂલ્લા પ્લોટ પરનો વેરો જે હાલ રૂ.14 અને રૂ.28 વસૂલવામાં આવે છે. તે રૂ.60 કરવા ભલામણ કરવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.100 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટને બહાલી આપવા માટે આગામી 19 ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે.

પદાધિકારીઓ-કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો પ્રથમવાર ડીએમસી માટે પણ ગ્રાન્ટની જોગવાઇ

કોર્પોરેટરોને વિકાસ કામો માટે મળતી રૂ.15 લાખની ગ્રાન્ટ વધારી રૂ.20 લાખ કરાઇ: મેયરની ગ્રાન્ટ રૂ.6 લાખથી વધારી રૂ.8 લાખ જ્યારે ડે.મેયર, સ્ટે.ચેરમેન અને વિરોધ પક્ષના નેતાની ગ્રાન્ટ રૂ.4.50 લાખથી વધારી રૂ.6 લાખ કરાઇ: ડીએમસીને પણ ઝોનના વિકાસ કામો માટે રૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવાશે

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ-2024-2025ના રૂ.2843.52 કરોડના બજેટમાં મેયર સહિતના પદાધિકારીઓને હોદ્ાની રૂએ ચૂકવવામાં આવતી વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં જ્યારે કોર્પોરેટરોને અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીએમસી માટે પણ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે મહાપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યોને પોતાના વોર્ડમાં વિકાસ કામો માટે પ્રતિવર્ષ રૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. એક વોર્ડમાં ચાર કોર્પોરેટર હોય હવે વોર્ડમાં વિકાસ કામો માટે રૂ.80 લાખનું ભંડોળ મળશે. આ માટે બજેટમાં રૂ.3.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હોદ્ાની રૂએ મેયરને વિકાસ કામો માટે રૂ.6 લાખની ગ્રાન્ટ મળે છે. જેમાં વધારો કરી રૂ.8 લાખ કરવામાં આવી છે.

જ્યારે ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિરોધ પક્ષના નેતાને હોદ્ાની રૂએ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતી રૂ.4.50 લાખની ગ્રાન્ટમાં વધારો કરી રૂ.6 લાખ કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પદાધિકારીઓ શહેરના કોઇપણ વોર્ડમાં કરી શકે છે. ગુજરાતમાં પ્રથમવાર રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ પૈકી રાજકોટ મહાનગરપાલિકાએ નવા નાણાકીય વર્ષથી નાયબ મ્યુનિ.કમિશનરને ગ્રાન્ટ આપવાની પહેલ કરી છે. ડીએમસીને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે રૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે.

બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 33 ટકાનો વધારો કરવામાં આવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. તમામ કોર્પોરેટરોએ સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયની સરાહના કરી હતી.

સાઉથ ઝોનમાં વોર્ડ નં.15, 16, 17 અને 18નો સમાવેશ કરાશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ છેલ્લા 50 વર્ષમાં શહેરની વસતીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને વિસ્તાર પણ તબક્કાવાર વધી રહ્યા છે. હાલ શહેરીજનોની સુખાકારી માટે સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન એમ કુલ ત્રણ ઝોન કાર્યરત છે. સમયની માંગ મુજબ કોર્પોરેશનની સેવાઓના વધુ વિકેન્દ્રીકરણ માટે નવા ઝોનનો ઉમેરો કરી સાઉથ ઝોનની રચના કરવામાં આવશે. જેમાં વોર્ડ નં.15, 16, 17 અને 18નો સમાવેશ કરવામાં આવશે. આ વિસ્તારના લોકોના પ્રશ્ર્નનો ઝડપી નિકાલ થાય અને સુખાકારીમાં વધારો થાય તે માટે બજેટમાં રૂ.6 કરોડની જોગવાઇ કરાઇ છે.

આજી-જીઆઇડીસીને જોડતો બ્રિજ બનાવવા 4 કરોડની જોગવાઇ

દેશની પ્રથમ એવી આજી-જીઆઇડીસીમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જેને જોડતા રોડ પર બ્રિજ બનાવવા માટે બજેટમાં 4 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આજી-જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અનેક ઔદ્યોગીક એકમો આવેલા છે. સાથોસાથ આસપાસના વિસ્તારોમાં લોકોનો વસવાટ સારા એવા પ્રમાણ છે. કોઠારિયા, દેવપરા તથા લાગૂ વિસ્તારમાંથી જતા દેવપરા 80 ફૂટ રોડ પરથી સિધા જ ઔદ્યોગીક એકમો તરફ જઇ શકે. તે માટે આજી-જીઆઇડીસીના હયાત રોડને જોડવા નદી પર બ્રિજ બનાવવામાં આવશે. આ માટે બજેટમાં રૂ.4 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વોર્ડ નં.3, 11 અને 18માં નવા કોમ્યુનિટી હોલ બનશે

કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવે છે. લોકોને પોતાના સામાજીક પ્રસંગોના આયોજન માટે પરવડે તેવા ભાડાથી જુદા-જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલની સુવિધા આપવામાં આવે છે. બજેટમાં શહેરના ત્રણ વોર્ડમાં નવા ત્રણ કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં.11, વોર્ડ નં.18 અને વોર્ડ નં.3માં નવા ભળેલા માધાપર વિસ્તારમાં નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં.6માં હયાત મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલના નવિનીકરણ માટે કુલ પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જૂની શાળાના બિલ્ડીંગોના નવિનીકરણ કરી તેને મોડેલ સ્કૂલ બનાવવામાં આવશે. શાળા નં.1 કિશોરસિંહજી સ્કૂલ અને શાળા નં.51 વિક્રમભાઇ સારાભાઇ પ્રાથમિક શાળાના નવિનીકરણ માટે રૂ.2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.