સિવિલ હોસ્પિટલ ચોક બ્રીજના કામ માટે નડતરરૂપ પાઈપ લાઈનના શિફટીંગના કામ સબબ વોર્ડ નં.1 (પાર્ટ), 3 (પાર્ટ) 4, 5, 7 (પાર્ટ) અને 14 (પાર્ટ)માં 27મીએ પાણી વિતરણ બંધ
એક તરફ મેઘરાજાએ આજથી રાજકોટ પર મેઘમહેર વરસાવવાનું શરૂ ર્ક્યું છે તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા શહેરીજનો પર પાણી કાપના કોરડા વિંઝવામાં આવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણાધીન ઓવરબ્રીજના કામમાં નડતરરૂપ પાણીની પાઈપ લાઈન ફેરવવાની કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે આગામી મંગળવારે શહેરના 6 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના એડિ. સિટી એન્જીનીયરના જણાવ્યાનુસાર બેડીથી જ્યુબીલી તરફ આવતી પાણીની પાઈપ લાઈન હોસ્પિટલ ચોક બ્રીજ નીચેથી પસાર થાય છે જે બ્રીજના કામને નડતરરૂપ થતી હોવાના કારણે તેનું શિફટીંગ કરવું પડે તેમ છે. પાઈપ લાઈન ફેરવવાની કામગીરી સબબ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબીલી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં જંકશન સાઈટ તરફના વોર્ડ નં.1 (પાર્ટ) અને વોર્ડ નં.3 (પાર્ટ)ના વિસ્તારો, જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.14 (પાર્ટ)ના વિસ્તાર આ ઉપરાંત બેડી હેડકર્વસ અને ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.4 અને 5ના વિસ્તારોમાં આગામી મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે વોર્ડ નં.2 અને 3ના અનેક વિસ્તારો ગત ગુરૂવારે પણ તરસ્યા રહ્યાં હતા. હવે પાઈપ લાઈન શીફટીંગની કામગીરીના બહાના તળે આગામી મંગળવારે 6 વોર્ડમાં પાણી કાપ લાદવામાં આવ્યો છે.