- મિત્રની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સને છરી ઝીંકી પતાવી દીધો’તો : રાજકોટ રૂરલ એલસીબીએ ગોવાથી ઝડપ્યો
રાજકોટ શહેરની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા માતાના મંદિર નજીક વર્ષ 1990માં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જે ઘટનાને 35 વર્ષ વીત્યા બાદ હત્યાને અંજામ આપનાર સહઆરોપીની ગોવાથી ધરપકડ કરી લેવામાં આવી છે. મિત્રની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સને છરીના ઘા ઝીંકી પતાવી દેનાર એક આરોપીની તાત્કાલિક ધરપકડ થઇ ગયાં બાદ સહ આરોપી હાલ સુધી પોલીસ પકડથી દૂર હતો પણ અંતે રાજકોટ રૂરલ એલસીબી ટીમે સહઆરોપીને ઝડપી પાડ્યો છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો તા.15/07/1990 ના રોજ કાનજીભાઇ સામજીભાઇ ભુવાએ (રહે.પારડી ગામ, તા.લોધીકા જી.રાજકોટ) લોધીકા પોલીસ સ્ટેશનમાં આવી પારડી શિતળા મંદીર ખાતે કોઇ અજાણ્યા માણસને કોઇ અજાણ્યા ઇસમોએ છરીના ઘા મારી હત્યા કરી નાખ્યાની ફરીયાદ નોંધાવી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરાતા પીરમલ પાય નાડર રહે.પી.એસ પ્લાયવુડ ફેકટરી શાપર મુળ. તમ્મીલનાડુ વાળાએ આ લાશ પોતાના માસીયાર ભાઈ નૈનતુરઇ એકવ નાડર રહે. મુળ.શીવન ગવઇ, જી.તીરનવેલી, (તમ્મીલનાડુ) વાળાની હોવાનુ ઓળખી બતાવેલ હતું. વધુમાં મૃતકના પરિજને જણાવ્યું હતું કે, મૃતક નૈનતુરઇને પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડરની પત્ની સાથે આડા સબંધ હતા. જેના કારણે પીછૈયા ઉર્ફે વિજયની પત્ની તેની સાથે ઝઘડો કરતી હોય જેથી પીછૈયા ઉર્ફે વિજય તેની પત્નીને તેના વતનમાં મુકી આવેલ હતો અને આ બનાવ પછી પીછૈયા ઉર્ફે વિજય તથા તેનો મિત્ર બસપ્પા ઉર્ફે સુરેશ બન્ને જોવા મળેલ નથી. જેથી મરણજનાર નૈનતુરઈનું ખુન પીછૈયા ઉર્ફે વિજય તથા તેના મિત્ર બસપ્પા ઉર્ફે સુરેશ એ મળી કરેલ હોય તેવી શંકા ઉભી થઇ હતી.
બાદમાં પોલીસે બસપ્પા ઉર્ફે સુરેશના બનેવી ગોંડલ ખાતે રહેતા હોય જેથી તેઓ બન્ને ત્યાં ગયેલ હોય તેવી શંકા દર્શાવેલ હતી. જે આધારે પોલીસ દ્વારા બન્ને શકમંદોની તપાસ કરવામાં આવેલ અને બસપ્પા ઉર્ફે સુરેશના બનેવી અપ્પનગૌડા પલગૌડા પાટીલની પુછપરછ કરતા બસપ્પા ઉર્ફે સુરેશ પોતાનો સાળો છે અને તે કયા છે તે બાબતે પોતે જાણતા નથી અને પોતે પણ તેને શોધે છે કારણ કે પોતાની પત્ની વતનમાં હતી તેના માટે ત્રણ તોલા સોનાનો હાર કરાવેલ હતો તે હાર લઇને આ બસપ્પા જતો રહેલ છે તેવી વિગત જણાવેલ હતી.
બાદ આરોપી પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડર રહે.રેડીપાર પટ્ટી તા.પણીપત જી.નીરણવેલી (તમ્મીલનાડુ) વાળાને તા.29/07/1990 ના રોજ અટક કરવામાં આવેલ હતો અને તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતો. આરોપીએ તેની પુછપરછમા પોતાની પત્ની સાથે મરણજનાર નૈનતુરઇ ને આડા સબંધ હોય જેના કારણે તેની પત્ની પોતાની સાથે ઝઘડો કરતી હોય જેથી પોતે પોતાની પત્નીને વતનમાં મુકી આવેલ અને પરત આવી પોતે તથા પોતાના મિત્ર બસપ્પા ઉર્ફે સુરેશએ મળી આ નૈનતુરઇ ને છરીના ઘા મારી તેનુ ખુન કરી નાખેલ હોવાનુ જણાવેલ હતુ. જેથી આ ગુન્હામાં આરોપી બસપ્પા ઉર્ફે સુરેશ નુ નામ પણ ખુલેલ હતુ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રવીદેવભાઇ બારડ, રોહિતભાઈ બકોત્રા, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઈ આરબ તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમારએ આ ગુન્હાના કેસ કાગળોનો ર્જીણવટભરી રીતે અભ્યાસ કરી ટકેનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી આરોપી બાબતે માહિતી મેળવેલ તેમજ કર્ણાટક રાજ્ય ખાતે તપાસમા જઇ આરોપીના ભાઇ સીધ્ધલીંગ ગીરમલા કાવલગુડ ઉ.વ.95 રહે.કર્ણાટક તથા આરોપીના બનેવી અપ્પનગૌડા પલગૌડા પાટીલને શોધી તેઓ પાસેથી આરોપીની જીણવટભરી માહિતી મેળવેલ દરમ્યાન એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. સ્વીદેવભાઇ બારડ નાઓને બાતમી મળેલ કે આરોપી હાલે ગોવા ખાતે છે. જેથી ગોવા ખાતે તપાસમાં જઇ ગોવા ખાતે આરોપીની સઘન તપાસ કરી આરોપીને શોધી કાઢી આરોપી બસપ્પા ઉર્ફે સુરેશ ડ/0 ગીરમલા કાવલગુડ ઉ.વ.64 રહે. મુળ. શિરગુર તા.રાયબાગ જી.બેલગાવ (કર્ણાટક) હાલ. રાયા તા.સાલ્સેત જી.સાઉથ ગોવા વાળાને પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપી પર રૂ. 10 હજારનું ઇનામ જાહેર કરાયું’તું
આરોપી બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડ રહે શિરગુર તા.રાયબાગ જી.બેલગાવ (કર્ણાટક) વાળાની તપાસ કરતા તે મળી આવેલ નહી અને આજદીન સુધી નાસતો ફરતો રહેલ હતો. આરોપી નહિ પકડાતા સી.આઇ.ડી. ક્રાઈમ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીના લીસ્ટમા આ આરોપીને સામેલ કરી તેના ઉપર રૂ.10,000 નું ઇનામ જાહેર કરવામાં આવેલ હતુ.