કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, રતનબેન ગોરવડીયા અને કિરણબેન સોનારા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વોર્ડ નં.૬માં કોંગ્રેસના ઉમેદવારો નામથી નહીં પરંતુ પોતાના કામથી ઓળખાય છે. લોકડાઉનમાં પણ ભાજપે આપેલા ઈ-મેમો અને માસ્કના દંડથી ત્રસ્ત પ્રજા હવે પરચો દેખાડવા માંગે છે. સતત લોકો વચ્ચે રહેનાર કોંગ્રેસને હોંશે હોંશે મતદારો સ્વીકારી રહ્યાં છે. તેમ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વોર્ડ નં.૬ના પૂર્વ ડે.મેયર ભરતભાઈ બોઘાભાઈ મકવાણા, મોહનભાઈ લાલજીભાઈ સોજીત્રા, રતનબેન ગોરધનભાઈ મોરવાડીયા અને કિરણબેન વનરાજભાઈ સોનારાએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ હંમેશા સામાન્ય લોકોના પ્રશ્ર્નોને વાચા આપે છે. વોર્ડ નં.૬માં કોંગ્રેસના ઉમેદવારોને ઘરે-ઘરે લોકો નામથી ઓળખે છે. કારણ કે તેઓએ લોકોના કામ જ એટલા કર્યા છે કે, હવે તેમને વધુ કોઈ મહેનત કરવાની જરૂરીયાત નથી. દંડના નામે ભાજપે પ્રજાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેર્યા છે જેને પ્રજા મતદાન કરી જવાબ આપવા ઈચ્છી રહ્યાં છે.
લોકડાઉનના સમયે પણ કોંગ્રેસના ઉમેદવારોએ સતત સેવાના કાર્યો કર્યા હતા. આજે ઉપલા કાંઠાનો જે વિકાસ થયો છે તે વાસ્તવમાં કોંગ્રેસને આભારી છે. મતદારો હવે પરિવર્તન ઈચ્છી રહ્યાં હોય અમારી જીત નિશ્ર્ચિત જણાય રહી છે. આ તકે ઉમેદવારોની સાથે દિનેશભાઈ લુણાગરીયા, ગોવિંદભાઈ સભાયા, અરૂણભાઈ કાપડીયા, ચાંદનીબેન લીંબાસીયા, રાજુભાઈ કાપડીયા અને દિનેશભાઈ મોલીયા ઉપસ્થિત રહ્યાં હતા.