રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. રાજકોટમાં વોર્ડ નં 12નાં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણીનો પ્રચાર પુર જોશ સાથે શરૂ કરી દેવામાં આવ્યો છે.
રાજકોટના વોર્ડ ન ૧૨નાં ભાજપના ઉમેદવારો પ્રદીપભાઈ ડવ, અસ્મિતાબેન દેલવાડિયા, મગનભાઈ સોરઠીયા અને મિતલબેન લાઠીયા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઈકાલે બાલાજી પાર્ક ખાતે સભા યોજવામાં આવી હતી, જેમાં તેમણે સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. લોકોના પ્રશ્નો સાંભળીને તમામ સમસ્યાનું નિરાકરણ લાવશે તેવો ભાજપના ઉમેદવારો દ્વારા વાયદો કરવામાં આવ્યો છે તો પ્રજાના પ્રશ્નોના ઝડપી અને કાયમી ઉકેલ માટે ખાતરી આપી મતદારોને રીઝ્વવાનો પ્રયાસ કર્યો હતો.