વોર્ડ નં.૩ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, કાજલબેન પુરબીયા, દાનાભાઈ હુંબલ અને દિલીપભાઈ આસવાણી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વોર્ડ નં.૩ વર્ષોથી કોંગ્રેસનો અડીખમ ગઢ રહ્યો છે. અહીં ક્ોંગ્રેસના ઉમેદવારોની પેનલ તૂટે તે માટે મોટી રાજરમત રમવામાં આવી છે અને અનામત ઘુસાડી દેવામાં આવી છે. વોર્ડના સીમાંકનમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. છતાં વોર્ડ નં.૩માં કોંગ્રેસની આખી પેનલ જંગી લીડ સાથે જીતશે તેવો વિશ્ર્વાસ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વોર્ડ નં.૩ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા, કાજલબેન પુરબીયા, દાનાભાઈ હુંબલ અને દિલીપભાઈ આસવાણીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષોથી કોંગ્રેસના અડીખમ ગઢ રહેલા વોર્ડ નં.૩માં કોંગ્રેસની પેનલ તૂટે તે માટે અનામતમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને સીમાંકનમાં પણ અનેક વિસ્તારો આ વોર્ડમાં ઘુસાડી દેવામાં આવ્યા છે. વોર્ડની વસ્તી ૯૦ હજારથી પણ વધુ છે અને મતદારો ૭૮૦૦૦ જેવા થવા પામે છે. છતાં અમને અમારા જીતની પરેપુરો વિશ્ર્વાસ છે.
સ્થાનિક પ્રશ્ર્ન અને દંડના મુદ્દાને લઈને લોકોની વચ્ચે જશું. છેલ્લા પાંચ વર્ષમાં અમે વિરોધ પક્ષમાં હોવા છતાં વોર્ડ નં.૩માં ૭૮ કરોડના વિકાસ કામો મંજૂર કરાવ્યા છે જે અમારી સક્રિયતા દર્શાવે છે. અમે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે રાજકારણમાં આવ્યા છીએ. કોર્પોરેટર તરીકેની અમારી ગ્રાન્ટ અમે પૂરેપુરી વાપરી છે. નવા ભળેલા વિસ્તારમાં હાલ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે એક સવાલ થાય છે કે રૂડાને મળતી ગ્રાન્ટ આખરી ગઈ ક્યાં ? ગમે તેટલા કાવાદાવા કરવામાં આવે પરંતુ વોર્ડ નં.૩માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો તોતીંગ લીડથી વિજેતા બનશે તેમાં કોઈ શંકા નથી. જો મહાપાલિકામાં અમારૂ શાસન આવશે તો અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો રાજકોટવાસીઓને વચન આપીએ છીએ.