છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરાયેલી પ્રેક્ષક ગેલેરીમાં આમ જનતાનો હક છીનવાયો: ચીફ જસ્ટીસ દ્વારા પ્રતિવાદીઓને નોટિસ: રાજકોટ મતદાર એકતા મંચના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક તરીકે તા.૧૯/૧૨/૨૦૧૮ના રોજ અશોકભાઈ પટેલ જાતે જ કોઈ વકીલ રોકયા વગર પાર્ટી ઈન પર્સન, રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લા ૩ વર્ષોથી બંધ કરી દેવાયેલ પબ્લીક ગેલેરીના વિષયની જાહેરહિતની અરજીની બાબતમાં ગુજરાત હાઈકોર્ટ-અમદાવાદમાં ચીફ જસ્ટીસ સમક્ષ રજુ થયા હતા. પોતાની રજુઆતમાં તેમણે કોર્પોરેશનમાં ભાજપ-કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓની કુતરા-મીંદડા જેવી ચાલી રહેલી લડાઈની વાત કરી હતી. સાથે સાથે બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ના કાયદાના પ્રથમ વાકય તરફ ચીફ જસ્ટીસનું ધ્યાન દોર્યું હતું. એ વાકયમાં સ્પષ્ટ લખાયેલ છે કે, દરેક બેઠક લોકો માટે ખુલ્લી હોવી જોઈએ. કાયદામાં બિલકુલ સ્પષ્ટ જ લખાયેલ હોવા છતાં કોર્પોરેશનના મેયર કે જેઓ શહેરના પ્રથમ નાગરિક ગણાય છે તથા કોર્પોરેશનના કમિશનર, સેક્રેટરી જેવા પ્રથમ કક્ષાના અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અન્ય સમિતિઓના ચેરમેનો અને બંને પક્ષોના ચુંટાયેલા કોર્પોરેટરો વગેરે બધા જ સાથે મળીને બદ ઈરાદાથી તથા રાજકોટની જનતાની આંખે પાટા બાંધી રાખવાના કાવતરા મુજબ છેલ્લા ત્રણ વર્ષોથી પબ્લીક ગેલેરીને છેલ્લી ૧૮ મીટીંગો દરમ્યાન સતત બંધ રાખીને સંયુકત છુપા હેતુઓ પાર પાડી રહ્યા છે.
છેલ્લા આઠ મહિનાઓ દરમ્યાન રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા સતત લેખિત પત્ર વ્યવહાર, રૂબરૂ મળીને કરેલી રજુઆતો અને કોર્પોરેશનની અંદર અને બહાર સતત દેખાવો કરવામાં આવ્યા. આ દેખાવો દરમ્યાન શહેરની પોલીસ દ્વારા ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે રાજકોટ મતદાર એકતા મંચના ત્રણ સાથીઓ અશોકભાઈ પટેલ, પ્રવિણભાઈ લાખાણી અને મહેશભાઈ મહિપાલની ત્રણ વખત અટક કરીને જનરલ બોર્ડની તે-તે મીટીંગો દરમ્યાન તેમને શાંતીપૂર્ણ દેખાવો કરતા રોકીને મુળભુત બંધારણીય હકકોને ભોગવતા રોકાયા હતા એટલું જ નહીં પણ પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ/ પદાધિકારીઓને તેમના ભ્રષ્ટાચારના કાર્યક્રમોમાં ફરજના બહાના હેઠળ છુપી મદદ કરી હતી. અટક દરમ્યાન મંચના ત્રણેય સાથીઓને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગોંધી રખાયા હતા. પોતાની અરજીમાં કરેલ પ્રાર્થનામાં અશોકભાઈ પટેલે રીસ્પોન્ડન્ટસ (પ્રતિવાદીઓ) દરેકને એક લાખ રૂપિયાનો દંડ કરવાની માંગણી કરેલ છે. પીટીશનર (અરજદાર) તરીકે અશોકભાઈને સાંભળ્યા પછી ચીફ જસ્ટીસે તમામ દશ પ્રતિવાદીઓને નોટિસ મોકલી આપીને તા.૧૭/૧/૨૦૧૯ના રોજ બધાને હાજર થવા હુકમ કર્યો છે.
અશોકભાઈ પટેલે ચીફ જસ્ટીસની કોર્ટમાં પાર્ટી ઈન પર્સન રજુ થતા રાજકોટ મતદાર એકતા મંચના સભ્યો પ્રવિણભાઈ લાખાણી, મુનાફભાઈ મેમણ, મગનભાઈ ડરાણીયા, મહેશભાઈ મહિપાલ, આશીફભાઈ શેખ, અર્પણાબેન કકકડ તથા મહંત રામરતનગીરીબાપુએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.