બાકી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ 11 ટાવરમાં 1144 આવાસોની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પણ પ્રગતિમાં છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કાર્ય પ્રગતિની સમીક્ષા અર્થે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી.હાલ લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ આવાસ યોજનામાં ફીનીશીંગની કામગીરી ચાલી રહી છે તેમજ પીજીવીસીએલ અને ગુજરાત ગેસની કામગીરી પણ ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી. લાઈટહાઉસ પ્રોજેક્ટ માટેની વોટર સપ્લાય સંબંધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને મ્યુનિ.કમિશનરે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું.
રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલ ડામર વર્કની કામગીરી પૂર્ણ કરવા અને આઇસીટી ડક્ટની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા એલ એન્ડ ટીનાં પ્રોજેક્ટ મેનેજરને સુચના આપી હતી.આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એ. આર.સિઘ, સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, કે. એસ. ગોહેલ, વાય. કે. ગૌસ્વામી, પી.એ.ટુ(ટેક.) હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. સોન્ઢાગર, આર. બી. પટેલ, અમિત ડાભી અને એ.ટી.પી. મુકેશ મકવાણા હાજર રહ્યા હતા.