રાજકોટ તાલુકાના સર ગામે રહેતા અને કર્મકાંડનું કામ કરતા વિપ્ર પરિવાર સાથે કાર ધીમે ચલાવવાના પ્રશ્ર્ને ઝઘડો કરી પાડોશી પરિવારના પાંચ શખ્સોએ લાકડીથી માર મારતા દંપતી સહિત ત્રણ ઘવાયાની અને કારમાં તોડફોડ કર્યાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પાંચ શખ્સોએ લાકડીથી માર મારતા ત્રણ ઘવાયા: કારમાં તોડફોડ કરી પાંચેય ભાગી ગયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સર ગામે રહેતા કૌશિકભાઇ નરેન્દ્રભાઇ તેમના પુત્ર ધવલ અને પુત્રવધુ નિરાલીને પાડોશમાં રહેતા ઘનશ્યામ ડાયા મેર, મનસુખ ડાયા મેર, દિલા સુખા, પાલા સુખા અને ધર્મેશ કેશુ નામના શખ્સોએ લાકડીથી માર મારી કારમાં તોડફોડ કરી રુા.10 હજારનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કૌશિકભાઇ ભટ્ટનો પુત્ર અંકિત પોતાની જી.જે.3એનએફ. 3878 નંબરની મારુતિ સ્વીફટ લઇને આવ્યો ત્યારે કાર ધીમે ચલાવવા બાબતે ઘનશ્યામભાઇ મેર તેની સાથે ઝઘડો કયો4 હતો. આથી કૌશિકભાઇ પોતાના પુત્ર ધવલ અને પુત્ર વધુ નિરાલી સાથે મકાનની બહાર નીકળી ઘનશ્યામભાઇને પોતાના પુત્રને સમજાવી દેશે તેમ કહેતા હતા તે દરમિયાન તેમના પર લાકડીથી હુમલો કર્યો હતો. કૌશિકભાઇ ભટ્ટને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ધવલ અને પુત્ર વધુ નિરાલી ઘવાયા હતા. પાંચેય શખ્સોએ કારમાં તોડફોડ કરી રુા.10 હજારનું નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. આજી ડેમ પી.એસ.આઇ. એચ.એન.જામંગ સહિતના સ્ટાફે કૌશિકભાઇ ભટ્ટની ફરિયાદ પરથી પોંચેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.