- ટુ-વ્હીલર, થ્રી વ્હીકલ, કાર, એમ્બુલેન્સ સહિતના વાહનો માટે વૈકલ્પિક રસ્તા અંગે પોલીસ કમિશ્નરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું નવીનીકરણ કરી નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સૌપ્રથમ પુલને તોડવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. આ માટે તારીખ 22મેથી તમામ પ્રકારના વાહનોની અવરજવર સદંતર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે જુદાં-જુદાં વાહનો માટેના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગરને જોડતા સાંઢિયા પુલ પરથી દરરોજ 30 હજારથી વધારે વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો, ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. સાડા ચાર દાયકા પહેલા સાંઢિયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે. વળી નબળો પણ જણાય રહ્યો છે, ત્યારે મનપાએ 68 કરોડના ખર્ચે ફોર લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે.ટુ-વ્હીલર વાહનો, કાર, એમ્બુલેન્સ, જેવા તમામ પ્રકારના લાઇટ વેઇટ વ્હીકલ વાહનો હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી ભોમેશ્વર રોડથી ભોમેશ્વર ફાટકથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જઈ શકશે. (ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે)
માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા માટે રસ્તાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ફક્ત ટુ-વ્હીલર વાહનો ભોમેશ્વર મંદિરથી ભોમેશ્વર ફાટકથી હોમફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થ્રી વ્હીકલ, કાર, એમ્બુલેન્સ, જેવા લાઇટ વેઇટ વ્હીકલ રેલનગર અંડરબ્રિજથી રેલનગર મેઇન રોડથી પોપટપરા મેઇન રોડથી પોપટપરા નાલામાંથી રેલ્વે સ્ટેશન મેઈન રોડથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે તેમજ માધાપર ચોકડીથી 150 ફૂટ રીંગ રોડ થી રૈયા ચોકડીથી રેષકોર્ષથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થ્રી વ્હીકલ અને કાર જેવા લાઈટ વેઈટ વ્હીકલો માટે એરપોર્ટ બગીચા (રેલનગર અંડર બ્રિજ ચોક) થી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશ બંધ રહેશે. તમામ એસટી બસો માધાપર ચોકડીથી રૈયા ચોકડી થઈને આમ્રપાલી અંડર બ્રિજથી એસ.ટી બસ સ્ટેશન તરફ જઈ શકશે. ભારે વાહનો અને પ્રાઈવેટ લકઝરી બસો પણ પ્રવેશબંધીના સમય સિવાય માધાપર ચોકથી રૈયા ચોકડી થઈ આમ્રપાલી અંડર બ્રિજથી અવરજવર કરી શકશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વાહન ચાલક વિરુદજ મોટર વાહન અધિનિયમ તેમજ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ આ બ્રીજ ટ્રાયલ માટે બંધ કરવામાં આવ્યો હતો.
જેમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને લઈને હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી ભોમેશ્વર રોડ, ભોમેશ્વર ફાટકથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જતા રસ્તાને ટુ-વ્હીલર સિવાય તમામ વાહનો માટે વન-વે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો એસટી બસ સહિતના હેવી વાહનો, કાર તેમજ એમ્બ્યુલન્સ માટે અલગ વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. તો આ નિર્ણય બાદ ટ્રાફિકજામ થશે કે નહીં તે પુલ બંધ થયા બાદ જોવું રહેશે