વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત બે સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા: 36 દુકાનોમાં ચેકીંગ, 18ને ફુડ લાયસન્સ અંગે નોટિસ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડીથી પુનિતનગર સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 36 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 18 આસામીઓને ફુડ લાયસન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 12 કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અગાઉ આરોગ્ય શાખા દ્વારા શહેરના કેવડાવાડી મેઇન રોડ પર કેવલ જયપ્રકાશ ચંદ્રાણીની માલિકીના વોલ્ગા ઘી ડેપોમાંથી ભેંસની શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવતાં નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર થયો છે જ્યારે મવડી મેઇન રોડ પર પ્રતિકભાઇ પ્રદિપભાઇ પટેલના ધ્રુવ મિઠાશ ઘીમાંથી ભેંસના માણસનું ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં પણ વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. હરિઘવા મેઇન રોડ પર પટેલ ચોકમાં હરિ યોગી લાઇવ પફમાંથી પફ બનાવવા માટે વપરાતા મસાલાનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં સિન્થેટીક ફૂડ કલર અને નોનપરમિટેડ ઓઇલ સોલ્યુબલડાઇની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર થયો હતો.
આજે ચેકીંગ દરમિયાન 150 ફુડ રીંગ રોડ પર પુનિતનગર ચોકમાંથી શ્રીજી રેસ્ટોરેન્ટમાંથી રસ્સાવાળા બટાટાનું શાક અને સંસ્કાર હાઇટમાં નિરજ હોસ્પિટાલીટી (ધ ગેલેરિયા હોટેલ)માંથી દાવતે પનીરનો નમૂનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીજી રેસ્ટોરન્ટ, ક્રિષ્ના વડાપાઉં, કર્મા પાન એન્ડ કોલ્ડ્રીક્સ, સાગર પાન એન્ડ કોલ્ડ્રીક્સ, શ્રી ગેલકૃપા સેલ્સ એજન્સી, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીક્સ, ઉમિયા પાન એન્ડ કોલ્ડ્રીક્સ, માધવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ, બાલજી ગોલા એન્ડ આઇસ્ક્રીમ, લક્ષ્મી સેલ્સ એજન્સી, ક્રિષ્ના ટી સ્ટોલ, સંતકૃપા સ્ટીમ ઢોકળા, ગીરીરાજ પ્રોવિઝન સ્ટોર, બંસી પાન , જલારામ મેડિકલ સ્ટોર અને વત્સ સુપર માર્કેટને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.
જાહેરમાં કચરો ફેંકવા સબબ અને ગંદકી કરવા સબબ 20 આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ અને સંગ્રહ કરવા સબબ 8 આસામીઓ પાસે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.