અબતક, રાજકોટ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મનહર પ્લોટમાં પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ નામની પેઢીમાંથી લેવામાં આવેલા ભેંસના શુદ્વ ઘીનો નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. ભેંસના ઘીમાં વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું પરિક્ષણ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું.
ગીરીરાજ રેસ્ટોરન્ટ અને રાધિકા રેસ્ટરન્ટમાંથી સબ્જીના નમૂના લેવાયાં
મંગળા મેઇન રોડ પર મનહરપ્લોટ-6 કોર્નર પર મેસર્સ પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસમાંથી ભેંસના શુદ્વ લૂઝનો ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન તેમાં વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત મવડી ચોકડી પાસે ગીરીરાજ રેસ્ટોરન્ટમાંથી લૂઝ ચોળીની સબ્જી અને રાધિકા રેસ્ટોરન્ટમાંથી ભરેલા રીંગણાના શાકનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યો છે.
આજે અલગ-અલગ 31 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 11 વેપારીઓને ફૂડ લાયસન્સ અને અનહાયજેનીંગ ક્ધડીશન અંગે નોટીસ ફટકારવામાં આવી છે. 41 કિલો અખાદ્ય વાસી ખોરાક અને બેવરેજીસનો નાશ કરવામાં આવ્યો હતો. વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા અને જાહેરમાં ગંદકી ફેલાવા સબબ 18 આસામીઓ પાસે રૂા.4,500, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા અને ઉપયોગ કરવા સબબ 15 આસામીઓ પાસે રૂા.12,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.