- વોર્ડ નં.12માં યુએલસીની ફાઝલ જમીન પર ડામર કામની માંગણી સાથે કોર્પોરેશન કચેરીએ ધરણાં પર બેઠેલા સાગઠીયા સહિતના લોકોની અટકાયત
- માધવ પાર્કથી સુખસાગર સોસાયટીને લાગૂ રસ્તા પર ડામર કરવા કલેક્ટર તંત્ર દ્વારા પણ એનઓસી અપાતું નથી છતાં સાગઠીયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે: મેયર
શહેરના વોર્ડ નં.12માં માધવ પાર્કથી સુખ સાગર સોસાયટીને લાગૂ રસ્તાની જમીન યુએલસી ફાઝલમાં જાય છે. આ માટે જમીન ધારકે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. કોર્ટ કેસ હોવાના કારણે આ ખખડધજ રસ્તા પર ડામર કામ થઇ શકે તેમ નથી. છતાં આમ આદમી પાર્ટીના રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર વશરામ સાગઠીયા ધરાર ડામર કરાવવા માટે હવાતીયા મારી રહ્યા છે. આજે પ્રશ્ર્ને તેઓએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં લત્તાવાસીઓને સાથે રાખી ધરણાં પર બેસી ગયા હતા. જો કે પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. મેયરે ખૂલાસો કરતા જણાવ્યું હતું કે અહીં ડામર કરવા માટે કલેક્ટર વિભાગ પાસે એનઓસી માંગવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટ કેસ હોવાના કારણે તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવ્યું નથી.
આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં માધવ પાર્કથી સુખ સાગર સોસાયટીનો રસ્તો ખૂબ જ ખરાબ છે. મેયરના મતવિસ્તારના લોકો આ અંગે ફરિયાદ કરીને થાક્યા છે છતાં પ્રશ્ર્નનો નિવેડો આવ્યો નથી. આજે લોકો કોર્પોરેશન કચેરી ધરણાં પર બેસવાના હોય મને એક જનપ્રતિનિધિ તરીકે બોલાવ્યો હતો. જેના કારણે હું તેમાં સામેલ થયો હતો. જો કે મેયરે રજૂઆત સાંભળવાને બદલે સત્તાના જોરે તમામની અટકાયત કરાવી હતી. રજૂઆત કરનાર લોકોમાં ખૂદ મેયરના ફઇબા પણ સામેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં જોડાઈને વિધાનસભા-71ના ધારાસભ્ય તરીકેના સપના જોતા વશરામ સાગઠીયા વોર્ડ નં.12ના માધવ પાર્કથી સુખ સાગર સોં.તથા લાગુ સોસા.ને જોડતા રસ્તા બાબતે લોકોને ગેરમાર્ગે દોરી પોતાનું રાજકીય અસ્થિત્વ ટકાવવા કોઈ જાણકારી મેળવ્યા વગર હવામાં હવાતિયા મારી રહ્યા છે.
રાજકોટ શહેરમાં મવડી વિસ્તારના સર્વે નં.50માંથી પસાર થતા હયાત રસ્તા સરકારની યુ.એલ.સી.ની જમીનમાં છે. આ વિસ્તારમાં રહેતા લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે અમોએ સ્થળ મુલાકાત લીધેલ. ત્યારબાદ તા.13/04/2022એ અમોએ રાજકોટ જીલ્લાના કલેકટરને મવડી ગામના રેવ.સર્વે નં.50માંથી પસાર થતા માધવ પાર્કથી સુખ સાગર સોસા.ને હયાત જોડતો રસ્તાને 7.50 મીટર પહોળાઈનો વિકાસ કરવા ન વાંધા પ્રમાણપત્ર મળવા પત્ર પાઠવેલ. જેના અનુસંધાને જીલ્લા કલેકટર દ્વારા તા.05/05/2022 સરકારની યુ.એલ.સી.જમીન સામે હાઈકોર્ટમાં કોર્ટ મેટર હોય મવડી સર્વે નં.50માં યુ.એલ.સી. ફાઝલ જમીનમાં વિકાસ માટેની પરવાનગી આપી શકાય નહી.
હાઈકોર્ટમાં મેટર પેન્ડીંગ હોઈ રસ્તા બાબતે નિર્ણય કરી શકાય નહી છતાં પણ વશરામ સાગઠીયા પોતાનું રાજકીય અસ્થિત્વ ટકાવવા અને રાજકીય રોટલા શેકવા માધવ પાર્કને સુખ સાગર સોસા.ના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.