કિશોરાવસ્થાથી જ નેતૃત્વના ગુણ ધરાવનાર વિજયભાઈની રાજકોટ પ્રત્યેની લાગણીથી સૌ કોઈ પરિચિત: રાજુભાઇ ધ્રુવ
રાજકોટ -૬૯ ઉપરથી આજે સતત બીજી વખત ઉમેદવારી નોંધાવનાર રાજ્યના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નામ અને કામ રાજકોટવાસીઓ માટે અજાણ્યું નથી તેમ જણાવતા ભાજપના પ્રદેશ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે રાજકોટવાસીઓએ જે રીતે તેમને આવકાર્યા અને ઉત્સાહ દર્શાવ્યો તે જોતા વિજયભાઈ પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ જશે તે નિશ્ચિત બન્યું છે.રાજકોટવાસીઓ પાસે પણ પોતાના મુખ્યમંત્રી ચૂંટવાની અમૂલ્ય તક આવી છે. વિજયભાઈએ પણ લાગણીવશ થઈને કહ્યું છે કે હું રાજકોટમાં ચૂંટણી નહીં લોકોના દિલ જીતવા આવ્યો છું.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, જે બેઠક ઉપરથી ભારતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઇ મોદી પેટા ચુંટણી લડ્યા હતા અને ખુદ વિજયભાઈ પણ આ બેઠક ઉપરથી પેટા ચૂંટણી લડીને જીત્યા હતા.હવે નસીબવંતા રાજકોટવાસીઓ પાસે ફરી એકવાર વિજયભાઈને મુખ્યમંત્રી બનાવવાની તક પ્રાપ્ત થઈ છે.
પ્રદેશ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, ત્વરિત નિર્ણયશક્તિ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા વિજયભાઈ રૂપાણી એક મૂક સેવક છે અને વર્ષોથી સમાજસેવા કરી રહ્યા છે.પોતાના સ્વર્ગસ્થ પુત્ર પુજીતની યાદગીરી જળવાય અને ગરીબોની સેવા થાય એવા ઉમદા હેતુથી બનાવાયેલા પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ મારફત વિજયભાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણીએ અનેક ગરીબ પરિવારોની સેવા કરી છે.આવા પરિવારોના બાળકોને તદ્દન વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડે છે અને તેમનું જીવનધોરણ સુધરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
વિજયભાઈ ધાર્મિક સ્વભાવના છે અને યાત્રા ધામોના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા છે.
૨ જી ઓગષ્ટ-૧૯૫૬માં જન્મેલા વિજયભાઈ શિશુકાળથી જ સંઘના સ્વયં સેવક બન્યા હતા અને આજે પણ ચુસ્ત સ્વયં સેવક છે.એક અણીશુદ્ધ અને કર્મશીલ કાર્યકરને શોભે એ રીતે કાર્ય કરી રાષ્ટ્ર સેવાના સંસ્કાર અપનાવ્યા હતા.
જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઈની ગણના યુવા વયથી જ એક લડાયક નેતા તરીકે થતી હતી.માત્ર ૧૯ વર્ષની વયે મિસાના કાયદા હેઠળ તેઓ જેલમાં પણ ગયા હતા.શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટી વખતે તેમને વિદ્યાર્થી કાર્યકર તરીકે ભુજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી મિસાવાસી તરીકે રહેવું પડયું હતું.આ સમયે વિજયભાઈ પાસે મતાધિકાર પણ ન હતો.
માત્ર ૨૪ વર્ષની વયે ભાજપમાં સક્રિય થયેલા વિજયભાઈ ૧૯૮૭માં કોર્પોરેટર બન્યા હતા અને પછી તબક્કાવાર ડ્રેનેજ કમિટીના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરના હોદ્દા ઉપર ફરજ બજાવી હતી.સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે સતત ૮ વર્ષ સુધી ફરજ બજાવી રાજકોટના વિકાસને નવી દિશા આપી હતી.
રાજુભાઈએ કહ્યું છે કે પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને છટાદાર વાણીને કારણે તેમને પ્રદેશ પ્રવકતા અને ત્યારબાદ મહામંત્રી બનાવાયા હતા.મહામંત્રી તરીકે તેમણે જુદા જુદા પ્રમુખો સાથે સુંદર સંકલન કર્યું હતું અને પોતાને એક કુશળ સમાજસેવી તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. આ સમયગાળામાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનનો વ્યાપ વધતો ગયો હતો અને નાની મોટી અનેક ચૂંટણીઓમાં પક્ષનો વિજય થતો રહ્યો હતો.ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી બેઠકોમાં પણ વધારો થતો ગયો હતો.
૧૯૮૮થી ૨૦૦૨ સુધી તેમણે સંકલ્પ પત્ર સમિતિના ચેરમેન અને પછી ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન તરીકે સુંદર કામગીરી કરી હતી.ભાજપે તેમને ૨૦૦૬માં રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા અને આ દરમિયાન તેમણે યુનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તેમણે રાજ્યસભામાં ગુજરાતના અનેક પ્રશ્નોને વાચા આપી હતી. આ પછી તેઓએ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી.
સતત લોકોની વચ્ચે રહેવાની તેમની ખાસિયતે એમને રાજકોટ-૬૯ બેઠક ઉપરથી ધારાસભ્ય બનવાની તક આપી હતી. સરકારમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ-રોજગાર જેવા ખાતા સાંભળ્યા હતા.
આ પછી તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યભાર પણ સાંભળ્યો હતો.
૭મી ઓગષ્ટ ૨૦૧૬ના રોજ તેમના લલાટે મુખ્યમંત્રીપદનું તિલક કરવામાં આવ્યું હતું અને હાલમાં પણ તેઓ આ પદ ગૌરવપૂર્ણ રીતે સંભાળી રહ્યા છે.પ્રજાવત્સલ મુખ્યમંત્રી તરીકે તેમણે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. બહુ જ ટૂંકા ગાળામાં તેઓએ અનેક હિમતભર્યા નિર્ણયો લઇ ગુજરાતને વિકાસના રસ્તે દોડતું કરી દીધું છે.
તેમણે કહ્યું છે કે, રાજકોટ માટે તો મોસળે જમણ અને માં પીરસનાર છે. વિજયભાઈ રાજકોટના પ્રતિનિધિ હોવાથી તેનો વિશેષ લાભ રાજકોટને મળી રહ્યો છે.
આવા બહુપ્રતિભાવાન વિજયભાઈને રાજકોટમાંથી ફરી ચૂંટવાનો સમય આવી ગયો છે ત્યારે સૌ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પરનું બટન દબાવી પોતાની ફરજ બજાવે તેવી નમ્રતાભરી અપીલ છે.