રાજકોટને ફાળવવામાં આવતા વેક્સિનના ડોઝમાં રાજ્ય સરકાર દ્વારા ક્રમશ: ધીમે ધીમે વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, રવિવારે વેક્સિનના ડોઝ ફાળવવામાં રજા રાખવામાં આવી હતી. જૂના સ્ટોકના આધારે હાલ શહેરમાં 80 સેશન સાઈટ પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે 8000 લોકોને વેકિસન આપી સુરક્ષીત કરવાના લક્ષ્યાંક સાથે બપોર સુધીમાં 4337 લોકોને રસી આપી દેવામાં આવી હતી.
મોટાભાગના સેન્ટરો પર આજે શાંતિ રહેવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મહાપાલિકા પાસે કોવિશિલ્ડ વેક્સિનના 11220 અને કો-વેક્સિનના 2160 ડોઝ સ્ટોકમાં છે. જેની સામે આજે 80 સેશન સાઈટ પર 7600 લોકોને કોવિશિલ્ડ અને 400 લોકોને કો-વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બપોરે 1 વાગ્યા સુધીમાં 18 થી 44 વર્ષની ઉંમર ધરાવતા 1605 લોકોને અને 45થી વધુ ઉંમરના 2732 લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી. સાંજ સુધીમાં 8000 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે.
કોરોના ટાઢો પડ્યો: બપોર સુધીમાં નવો એક પણ કેસ નહીં
રિકવરી રેટમાં સતત થઈ રહેલા વધારાથી લોકોમાં હાશકારો
કોરોનાની બીજી લહેર હવે સંપૂર્ણપણે પૂર્ણ થવામાં છે. ગઈકાલે શહેરમાં કોરોનાના માત્ર 8 કેસો નોંધાયા બાદ આજે બપોર સુધીમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. રિકવરી રેટમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે શહેરીજનો સાથે તંત્રએ પણ રાહત અનુભવી છે. ગઈકાલે શહેરમાં કોરોનાના 8 કેસો નોંધાતા કુલ કેસનો આંક 42738એ પહોંચ્યો હતો. જેની સામે આજ સુધીમાં 42189 લોકોએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. આમ આજ સુધીમાં રિકવરી રેટ 98-91 ટકાએ પહોંચી જવા પામ્યો છે. 12 લાખથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પોઝિટિવીટી રેટનું પ્રમાણ 3.55 ટકા છે. શહેરમાં હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ડબલ ડીજીટમાં પહોંચી જવા પામી છે.