કોરોનાના કેસો વધતા યુઝડ કાર એસોસિએશને સ્વયંભુ બંધ રાખવાનો લીધો મહત્વનો નિર્ણય
વર્તમાન કોરોનાની સ્થિતિમાં રાજકોટ 150 ફૂટ સહિતના વિસ્તારમાં ભરાતી જૂની કાર લે-વેચ બજાર આજથી 14 એપ્રીલ સુધી સ્વયંભુ બંધ રહેશે. કોરોનાના કેસો દિવસને દિવસે વધી રહ્યાં છે ત્યારે જૂની કાર લે-વેચ એસો. દ્વારા સ્વયંભૂ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટમાં કોરોનાના 300થી વધુ કેસ આવતા ભયનો માહોલ ફેલાયો છે. સાથે સાથે 19 લોકોના મૃત્યુ પણ થયા છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે યુઝ કાર એસો. દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં વર્ષોથી 150 ફૂટ રીંગ રોડ પર જૂની કાર લે-વેચની બજારો ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ બજારની મુલાકાત લેતા હોય છે. જ્યારે હાલમાં રાજકોટ સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં 3 હજારથી વધુ કેસો અને રાજકોટમાં 300 થી વધુ કેસ આવતા ફફડાટ ફેલાયો છે ત્યારે વર્તમાન સ્થિતિમાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ભરાતી જૂની કાર લે-વેચની બજાર આજથી 7 દિવસ એટલે કે એક અઠવાડિયુ બંધ રહેશે.
કોરોનાના વધતા સંક્રમણને કારણે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આજથી રાજ્યના 20 મહાનગરોમાં રાત્રીના 8 થી સવારના 6 સુધી નાઈટ કરફયુ રહેશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ 100થી વધુ લોકોને મંજૂરી નહીં, રાજકીય કાર્યક્રમ અને મેળાવડા પણ 30 એપ્રીલ સુધી મોકુફ રાખવામાં આવ્યા છે. જે રીતે કેસો વધી રહ્યાં છે તે મુજબ હાઈકોર્ટના આદેશ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય અમલી કરાયો છે. ત્યારે રાજકોટનું યુઝ કાર એસો. પણ આ નિર્ણયને વધાવ્યો છે અને એક અઠવાડિયા સુધી આ કાર બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. યુઝ કાર એસો. દ્વારા બહારગામના ગ્રાહકોને આ નોંધ લેવા અનુરોધ કરાયો છે.