રાજકોટ શહેરના ગુંદાવાડી મેઇન રોડ લાકડીયા પુલ પાસે આવેલા શ્રીજી નિલકંઠ ફૂડમાં ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગના ચેકીંગમાં થયો છે. 170 કિલો ફરસાણનો નાશ કરી નોટિસ આપવામાં આવી છે. 150 ફૂટ રીંગ રોડ પર ધ રોયલ બાઇટ રેસ્ટોરન્ટમાં એક્સપાયર થયેલા સોસનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
150 ફૂટ રીંગ રોડ પર ધ રોયલ બાઇટ રેસ્ટોરન્ટમાં એક્સપાયર થયેલા સોસનું ઉપયોગ કરતો હોવાનું ઘટસ્ફોટ
આજે ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન ગુંદાવાડી મેઇન રોડ પર શ્રીજી નીલકંઠ ફૂડમાં વોશિંગ સોડાનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા ચંપાકલી ગાંઠીયા અને ભાવનગરી ગાંઠીયાનો 90 કિલોનો જથ્થો જ્યારે અખાદ્ય અને વાસી એવા બુંદીના 80 કિલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર વેસ્ટ ગેઇટમાં આવેલા ધ રોયલ બાઇટ રેસ્ટોરન્ટમાં ત્રણ માસ પહેલા એક્સપાયરી ડેઇટ વિતી ગયેલા સોયા સોસની બોટલ મળી આવી હતી. આ ઉપરાંત વાસી પ્રિપેડ ફૂડ, સંભારો, સલાડ અને ચટણી સહિત 13 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. પેડક રોડ, કોઠારિયા રોડ અને સોરઠીયા વાડી સર્કલમાં ખાણીપીણીની 40 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શાંતિનગર મેઇન રોડ સુરેશ સ્વીટ્સમાંથી માવાના પેંડા અને ચાર્ટપુરી, સૌરાષ્ટ્ર ફૂડ પ્રોડક્ટમાંથી હળદર પાવડર અને શ્ર્વેતા બ્રાન્ડ કોથમરી મરચા ખાખરા, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોકમાં કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ્સમાંથી ચણાનો મૈસુબ અને તીખા ગાંઠીયા, રાજશક્તિ ફરસાણમાંથી જલેબી અને ચવાણું, વ્રજ ડ્રાયફ્રૂટ એન્ડ ચોકલેટમાંથી લૂઝ બદામ જ્યારે જલારામ સીંગ અને ફરસાણમાંથી મસાલા કાજુનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.