શહેરમાં ફરી આજે ત્રણ સબ ડિવિઝનોમાં 44 ટીમોને સોંપાઈ ચેકીંગ ડ્રાઇવની જવાબદારી : સ્ટાફની સલામતી ખાતર કોરોના સંક્રમણ ધીમું પડ્યા બાદ ચેકીંગ ડ્રાઇવ યોજવાની સંગઠનની માંગ
અબતક, રાજકોટ : પીજીવીસીએલ દ્વારા શહેરમાં ફરી આજે ત્રણ સબ ડિવિઝનોમાં 44 ટીમોને ચેકીંગ ડ્રાઇવની જવાબદારી સોંપવામાં આવી હતી. કોરોનાના સંક્રમણ વચ્ચે ચેકીંગ ડ્રાઇવ યોજવા સામે યુનિયનોએ વિરોધ પણ નોંધાવ્યો છે. આ મામલે સવારે યુનિયનોએ એમડીને રૂબરૂ રજુઆત કરી સ્ટાફની સલામતી ખાતર કોરોના સંક્રમણ ધીમું પડ્યા બાદ ચેકીંગ ડ્રાઇવ યોજવાની માંગ પણ ઉઠાવી છે.
પીજીવીસીએલ દ્વારા આજથી ફરી રાજકોટમાં વીજ ચેકીંગ ડ્રાઇવનો દોર શરૂ કર્યો છે. ડીસેમ્બર મહિનામાં ૩૦ કરોડની વીજચોરી ઝડપી લીધા બાદ જાન્યુઆરીમાં દરરોજ સૌરાષ્ટ્ર – કચ્છમાં દરોડા ચાલુ રખાયા છે. આજે રાજકોટ ઉપરાંત ભાવનગર, પાલીતાણા, તળાજા, કચ્છ, ભુજ, ભચાઉમાં સંખ્યાબંધ ટીમો ત્રાટકી છે.
આજે રાજકોટમાં રાજકોટ સીટી વિભાગ-૧માં આવેલા આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ સબ ડિવીઝનના ૩૦થી વધુ વિસ્તારોમાં ૪૪ ટીમોએ દરોડા પાડયા છે, જેમાં કર્નેજી ફીડર, સંતકબીર, અમીધારા, થોરાળા, ભગવતીપરા, શહેરી ફીડર, સોનીબજાર, શ્રી હરી, પીટીસી રોડ, રામનાથપરા, લાતી પ્લોટ ફીડર સહિત કુલ ૧૧ ફીડર વિસ્તારમાં દરોડા શરૂ કરાયા છે.
જ્યાં ટીમો ત્રાટકી છે તેમાં પેલેસ રોડ, કેનાલ રોડ, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા, ગુજરી બજાર, લાખાજીરાજ રોડ, સોની બજાર, શિવાજી નગર, કુબલીયાપરા, ન્યુ વિજનગર, કસ્તુરબા હરીજનવાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં ૧ થી ૮, વિજયનગર, ગંજીવાડ શેરી ૧ થી ૮૦, દલિત ચોક, જયપ્રકાશ નગર ૧ થી ૧૫, બદરી પાર્ક, વંદેમાતરમ સોસાયટી, સદગુરૂ પાર્ક, અંબિકા પાર્ક, હરિ સાગર પાર્ક, સુખસાગર ચુનારાવાડ શેરી નંબર ૧ થી ૮, મનહરપરા, આંગણવાડી, બેડીપરા શ્રમજીવી સોસાયટી, શિવધારા હોટેલ, મયુરનગર શકિત સોસાયટી, મેહુલનગર, ભોજલરામ સોસાયટી, કનકનગરનો સમાવેશ થાય છે.
હાલ કોરોના કેસો વધી રહ્યા છે. અગાઉથી જ વીજતંત્રના અનેક કર્મચારિઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેવામાં આ ચેકીંગ ડ્રાઇવ જોખમી હોવાનું જણાવી યુનિયનોએ આ ચેકીંગ ડ્રાઇવ હાલ પૂરતી મોકૂફ રાખવા એમડીને રજુઆત પણ કરી છે.
કંપની અને કર્મચારીઓ બન્નેનું હિત જળવાશે, આ મામલે નિર્ણય વિચારાધીન : એમડી
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર વરુણકુમાર બરનવાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિજિલન્સ ડ્રાઇવ હેઠળ પીજીવીસીએલ દરરોજ એકથી સવા કરોડનું એસેસમેન્ટ મેળવતું હતું. તેમાંથી 25થી 30 લાખ દરરોજ રિકવર થતા હતા. અત્યારે પણ ચેકીંગ ડ્રાઇવ ચાલુ જ છે. તમામ વીજ અધિકારીઓ અને કર્મચારીઓએ બાકી લેણા વસુલાત અને વીજ ચોરી સામેની ડ્રાઇવમાં ખૂબ મહેનત કરી છે.
કોરોના સંક્રમણ વચ્ચે ડ્રાઇવ યોજવા સામે યુનિયનની પણ રજુઆત મળી છે. તેઓના જે પ્રશ્ન છે તે ઉકેલ લાવવા મેનેજમેન્ટ પ્રયાસ કરશે. જો ચેકીંગ બંધ કરીએ તો બીલિંગ અને કલેક્શનના પ્રશ્નો ઉદભવે તેમ છે. વધુમાં કંપની અને કર્મચારી બન્નેનું હીત જળવાઈ રહે તે માટે મેનેજમેન્ટ પ્રયત્નશીલ છે. એટલે આ મામલે નિર્ણય વિચારાધીન છે. અંતમાં તેઓએ કહ્યું કે વીજ કર્મચારીઓ ફ્રન્ટ લાઈન વર્કર છે. તેઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.