દૂધના ચાર અને મીઠાનો એક નમૂનો ફેઇલ થતાં પેનલ્ટી ફટકારાઇ: ચુનારાવાડ ચોકમાં ગજાનન ડેરીમાંથી મિક્સ માવો અને મિક્સ દૂધના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલાયા
વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં દૂધમાં પાણી સહિતની ચીજવસ્તુઓની ભેળસેળ કરતા હોવાની શંકાના આધારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા દૂધના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયાં છે. જ્યારે મીઠામાં આયોડિનનું પ્રમાણ વધુ મળતાં સેમ્પલ ફેઇલ ગયુ છે.
રાજકોટની ભાગોળે આવેલા ઢોલરાથી રાજકોટમાં દૂધ વેંચવા આવતા ખોડિયાર ફાર્મના ધનજીભાઇ લાખાભાઇ માટીયાના પાસેથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂા.5000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓમનગરમાં ધવલકુમાર વિનોદભાઇ ગજેરાની રામેશ્ર્વર ડેરીમાંથી લેવાયેલો મિક્સ દૂધનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂા.10,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત રૈયાગામ મેઇન રોડ પર હિંમતસિંગ જેશિંગ ચાવડાની જનતા ડેરી ફાર્મમાંથી પેશ્યૂ રાઇઝ પુલ ક્રીમ મિલ્કનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે મિક્સ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ડેરીફાર્મના સંચાલકને રૂા.10,000ની પેનલ્ટી, જનતા મિલ્ક ફૂડ પ્રોડક્ટને રૂા.50,000ની અને ઉત્પાદક પેઢીના જવાબદાર એવા ધર્મેન્દ્રસિંહ ચાવડાને રૂા.25,000ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
શહેરના ભાવનગર રોડ પર મોહિત રાજાણી અને જીગર રાજાણીના જીટી સોલ્ટ સપ્લાયરમાંથી એક કિલો પેકિંગનું દાંડી રિફાઇન્ડ ફ્રી ફ્લો આયોડાયઝ સોલ્ટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ધારા-ધોરણ કરતા આયોડીનનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવતા રૂા.15,000ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ઉત્પાદક પેઢી એવી ભચાઉનું ચોપડવાની ઇન્ડો બ્રાઉન ઇન્ડસ્ટ્રીઝને રૂા.50,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ચુનારાવાડ ચોકમાં ગજાનન ડેરી ફાર્મમાંથી લૂઝ મીઠો માવો અને મિક્સ મિલ્કનો નમૂનો લેવામાં આવ્યો હતો. અલગ-અલગ ખાણીપીણીની દુકાનો ચેકીંગ હાથધરી 12 લીટર કોલ્ડ્રીક્સના જથ્થાનો નાશ કરી 4 ફૂડ બિઝનેશ ઓપરેટરને નોટીસ આપવામાં આવી હતી.