સવારે કારખાનામાં કામ કરતા યુવાનને હૃદય રોગનો હુમલો આવ્યો
સાંજે નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું હૃદય બેસી ગયું
રાજકોટ જિલ્લામાં જેતપુર, જેતલસર અને રાજકોટ સહિત ત્રણ સ્થળોએ ચાર દિવસમાં યુવતી સહિત પાચ યુવાનોના હાર્ટ ફેલ
રાજકોટમાં ગઇ કાલે જાણે યમરાજનો પડાવ હોય તેમ નાની ઉમરના બે યુવાનોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. સવારે કારખાનામાં કામ કરી રહેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો જ્યારે સાંજે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલા મૂળ બગસરાના યુવકનું રસ્તા પર જ હૃદય બેસી ગયું હતું. કોવીડ મહામારી બાદ નાની વયના લોકોના હાર્ટ એટેકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટમાં એક જ દિવસમાં બે નાની વયના યુવકોને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ બગસરાના રહેવાસી અને રાજકોટમાં પેટિયું રડવા આવેલા અને કોઠારીયા મેઇન રોડ પર આનંદનગરમાં રહેતા નિમિત્ત મુકેશભાઈ આદરણી નામના ૨૩ વર્ષીય યુવાન ગઇ કાલે સાંજે શાસ્ત્રી નગર પાસે હતો ત્યારે એકાએક હૃદય બેસી જતા તે ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક ૧૦૮માં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક નિમિત્ત આદરાણી મૂળ બગસરાનો રહેવાસી છે અને રાજકોટમાં કપડાંની દુકાનમાં નોકરી કરતો હતો. ગઇ કાલે બેંકમાં નોકરી માટે યુવક ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે સવારે પણ રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર મુરલીધર વે બ્રિજ પાસે કારખાનામાં કામ કરતા જસ્મીન મુકેશભાઈ વઘાસિયા નામના ૨૪ વર્ષીય યુવાનનું હૃદય બેસી ગયું હતું. નાની વયના યુવાનો અને કિશોરાવસ્થામાં વધતા જતા હાર્ટ એટેકના પ્રમાણના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં તહેવાર નિમિતે પણ જુદા જુદા ત્રણ ગામમાં હાર્ટ એટેકના કારણે એક યુવતી અને બે યુવાનનાં મોત થયા હતા. જેમાં જેતપુર નજીક આવેલા બલળથ બારવાળા ગામની અંજનાબેન ગોંડલીયા (ઉ.વ.૨૬) વર્ષની યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. સાસરિયા પક્ષ સાથે આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં હતી ત્યારે ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ તેને ચક્કર આવ્યા હતા. અંજનાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે યુવતીને મૃતજાહેર કરી હતી અને જણાવ્યું હતું કે યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
બીજા બનાવમાં રાજકોટ શહેરના જુના માર્કેટિંગ નજીક આવેલા વીર હનુમાન ચોક નજીક જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન જતીન સરવૈયા નામનો ૨૪ વર્ષીય યુવાન અચાનક ઢળી પડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને સામે આવ્યું હતું કે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.
ત્રીજા બનાવમાં જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ મેઘનાથી (ઉં.વ.૨૬)ને અચાનક હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.