શેરીમાં શ્વાનને છૂટું મૂકી દેતા ગાય પાછળ દોડ્યું: ગાયે એક્ટિવાને અડફેટે લીધું: શ્વાનના માલિક સામે નોંધાતો ગુનો
રાજકોટમાં એક તરફ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ પાલતુ શ્વાનના કારણે બે યુવતીને ઇજા થઇ હોવાનું ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં શેરીમાં રહેતા એક ભાઈનું પાલતુ શ્વાન ગાય પાછળ દોડતા ગાયે એક્ટિવાને ઠોકરે લેતા બનાવ બન્યાનું જાણવા મળ્યું છે. પોલીસે શ્વાન માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવપરામાં ગાંધી સોસાયટીમાં રહેતી અને મોડલિંગ કરતી ઝીલ આબિદભાઈ મુન્દ્રા (ઉ.વ.૧૯) ગઇ તા.૧૩મી મેના રોજ પોતાની સહેલી સાથે કેવડાવાડી શેરી -૧૨માં હતી ત્યારે ગાયે તેમના એક્ટિવાને અડફેટે લેતા બંને સહેલીઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
ત્યાર બાદ યુવતી ઝીલ મુન્દ્રાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ કેવડા વાળી શેરી- ૧૨માં રહેતા ભરતભાઈ કાનગડનું પાલતુ શ્વાન ગાય પાછળ ભસતા ભસતા દોડ્યું હતું. જેથી ભડકેલી ગાયે દોડ મૂકતા તેને એક્ટિવા પર સવાર ઝીલ અને તેની સહેલીને અડફેટે લીધા હતા. જેમાં બંને સહેલીઓને ઇજા થઈ હતી.પોલીસે ઘટનાની નોંધ કરી પાલતુ શ્વાનના માલિક ભરતભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.