મોબાઇલ અને સોશ્યલ મિડીયાનો તરૂણ વયના ટાબરીયાઓ દ્વારા થતા દુર ઉપયોગના કારણે કુમળી ઉમરે માનસિક વિકૃતિનો ભોગ બનતા હોય છે. આવો જ એક બનાવ શહેરના કાલાવડ રોડ પરના ભદ્ર વિસ્તારમાં બન્યો છે. માત્ર 13 વર્ષની તરૂણીને દુષ્કર્મનો શિકાર બનાવી 12 વર્ષના બે ટાબરીયા પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. સમગ્ર ઘટના પોલીસ મથક સુધી પહોચ્યા બાદ બાદ તરૂણી અને સગીર બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ પોલીસે પણ ગુનો નોંધવાનું ટાળ્યું છે.
કાલાવડ રોડ પર આવેલા મોટા મવા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણી પાસે બે કુતરા હોવાથી કુતરાને રમાડવા માટે તેના જ એપાર્ટમેન્ટના છઠ્ઠા અને બીજા માળે રહેતા 12 વર્ષના બે ટાબરીયાએ અગાશી પર બોલાવી હતી. તરૂણી નિદોર્ષભાવે બંને કુતરા સાથે અગાશી પર ગઇ હતી. બંને ટાબરીયા પૈકી એક ટાબરીયાએ સીડી રૂમનો દરવાજો બંધ કરી દીધા બાદ બંને ટાબરીયાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું.
તરૂણીએ પોતાની આપવિતી પોતાની માતાને કહ્યા બાદ પરિવારજનો બંને ટાબરીયા સામે ફરિયાદ નોંધાવવા મહિલા પોલીસ મથકે દોડી ગયા હતા ત્યાં બંને ટાબરીયાના પરિવારજનો પણ પોલીસ મથકે પહોચી ગયા હતા. સમાધાન માટે પ્રયાસો કર્યા હતા ત્યારે મહિલા પોલીસ મથકના સ્ટાફે પણ બંનેના પરિવારને આબરૂ જશે તેવું સમજાવી ફરિયાદ નોંધવાનું હાલ પુરતુ ટાળ્યું હતું.