ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાની બાતમીના આધારે બહુમાળી ભવન પાસેથી મામલતદાર કચેરીના આઉટ સોસના બંને કર્મચારીને રૂા.9.24 લાખની રોકડ સાથે ધરપકડ
શહેરના પૂર્વ વિભાગના મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઇઝ બે કર્મચારીઓએ બેન્ક ચલણના બોગસ સિક્કા બનાવી સુચિત સોસાયટી માટે જંત્રી મુજબની રકમ જમા કરાવતી વ્યક્તિની રકમ બારોબાર હડપ કરતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના નવ નિયુકત પી.એસ.આઇ. પી.ડી.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લેતા બંને ભેજાબાજે અત્યાર સુધીમાં છ વ્યક્તિઓ સાથે રૂા.15.94 લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સો વધુ ઠગાઇના ગુનામાં સંડોવાયા હોવાની અને તેની સાથે અન્ય શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે બંનેને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરાયાની પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપી છે.
જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા અલ્પેશ મોહન ગડીયેલ અને મોરબી રોડ નવા જકાત નાકા પાસે જમના પાર્કમાં રહેતા વિવિક ઘનશ્યામ રોઠોડ નામના શખ્સો સુચિત સોસાયટીનો પ્લોટ રેગ્યુલાઇઝ કરાવવા આવતી વ્યક્તિને જરૂરી જંત્રીની રકમ ભરવા માટે બહુમાલી ભવનમાં મોકલતા ત્યારે અગાઉથી જ બંને શખ્સોનો મળતીયો ત્યાં ઉપસ્થિત તેમની રકમ સ્વીકારી ચલણમાં બોગસ સિક્કો લગાવી દેતો હોવાની તેમજ આ રકમ સરકારી તિજોરીમાં જમા થઇ ગયાનું વેરીફીકેશન બુધ્ધી પૂર્વક કરી આપતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી. બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા, પીએસઆઇ એ.બી.વોરા અને પીએસઆઇ પી.ડી.ઝાલા સહિતના સ્ટાફે બંને શખ્સોને રેસકોર્ષ રીંગ રોડ પરથી ઝડપી લીધા હતા. તેની પાસેથી રૂા.9.24 લાખ રોકડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો રબ્બર સ્ટેમ્પ, ટ્રેઝરી ઓફિસનો રબ્બર સ્ટેમ્પ, નાણા ભરવાનું બનાવટી ચલણ મળી આવ્યું હતું.
બંને ભેજાબાજે મનિષભાઇ રાઠોડ પાસેથી રૂા.2.17 લાખ, પ્રસાંત ઘનશ્યામભાઇ દુબલ પાસેથી રૂા.1.70 લાખ, રમણીકભાઇ કાપડીયા પાસેથી રૂા.88 હજાર, રૂગનાથભાઇ છાટબાર પાસેથી રૂા.76 હજાર અને યોગેશભાઇ દવે પાસેથી રૂા.8.67 લાખ મળી રૂા.15.94 લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સો રાજકોટ પૂર્વ વિભાગ મામલતદાર કચેરીના આઉટ સોસ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. અને કેટલા સમયથી કૌભાંડ ચલાવી રહ્યા છે તે અંગેની પૂછપરછ માટે બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.