વેપારી પાસે વેબસાઈટ પરથી માલ મંગાવનાર અને માલ મોકલનાર ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજરને સામે ગુનો નોંધાયો
શહેરમાં આર.કે.નગર મેઇન રોડ પર રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામે સર્જિકલ પ્રોડક્ટનો ધંધો કરતા વેપારી સાથે રાજકોટના બે શખ્સોએ વેપારી પાસેથી રૂા. 25.53 લાખના સર્જિક્લ ગ્લોવ્ઝ ખરીદી છેતરપિંડી કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
માહિતી મુજબ ભગતસિંહ ટાઉનશીપ નજીક આર.કે.નગર મેઇન રોડ પર રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામે સર્જિકલ પ્રોડક્ટના ધંધામાં ભાગીદાર ભૌતિક ગોપાલભાઈ કરકર (ઉ.વ. 30) એ પોતાની ફરિયાદમાં આરોપીમાં નિરવ કાનજી ચભાડીયા અને વી-ટ્રાન્સ ઇન્ડિયા લીમીટેડ ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના તે વખતના મેનેજરનું નામ આપ્યું હતું જેમાં ભૌતિકભાઈએ જણાવ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પરથી નિરવે તેનો મોબાઇલ નંબર મેળવી 6 લાખ ડિસ્પ્લોઝેબલ ગ્લોવ્ઝનો ઓર્ડર આપ્યો હતો. જેની કિંમત રૂા. 25.53 લાખ નક્કી થઇ હતી. 2021ના જાન્યુઆરી માસમાં ફાઇનલ ઓર્ડર આપી ચેકનો ફોટો મોકલ્યો હતો.
સાથોસાથ એવું કહ્યું કે અત્યારે હું ચેક તમારા એકાઉન્ટમાં નાખવા જાઉં છું, તમે આ માલ આગ્રા પહોંચાડી દો.જેથી તેણે વી-ટ્રાન્સ ઇન્ડિયા લિમીટેડ કે જે ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી છે. ત્યાં માલ રવાના કરવા માટે બુકિંગ કરાવી રૂા. 21,963નું ચેકથી પેમેન્ટ કર્યું હતું. તે વખતે ટ્રાન્સપોર્ટના મેનેજરે કહ્યું કે માલ પહોંચતાં 7થી 8 દિવસ લાગશે. આ વાત સાંભળી તેણે માલ મંગાવનાર પાર્ટી ઓરીજીનલ કંઝાઇનીંગ કોપી દેખાડે તો જ માલ આપવા માટે સૂચના આપી માલ રવાના કરી દીધો હતો.
પાંચેક દિવસ બાદ નિરવે નાખેલા ચેકના પૈસા જમા નહીં થતાં કોલ કર્યો હતો. જેથી તેણે કહ્યું કે હાલ કોરોનાનો સમય ચાલે છે એટલે બેન્કના સર્વરમાં પ્રોબ્લેમ હશે. પરિણામે થોડા દિવસ રાહ જોયા બાદ ટ્રાન્સપોર્ટ પેઢીને ત્યાં જઇ હજુ માલના પૈસા નહીં મળ્યાનું જણાવી માલ પરત મંગાવી લેવા કહ્યું હતું. પરિણામે ટ્રાન્સપોર્ટ પેઢીના માણસોએ સિસ્ટમમાં ચેક કરી જણાવ્યું કે માલ આગ્રાને બદલે મથુરા જતો રહ્યો છે અને ત્યાંથી નિરવે કંઝાઇનીંગ કોપી વગર માલ છોડાવી મોબાઇલ ફોન બંધ કરી દીધો છે. તે વખતે ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજરે થોડા દિવસોમાં માલ પરત અપાવી દેશું તેવું કહ્યું હતું. પરંતુ આજ સુધી માલ કે પૈસા પરત નહીં મળતાં આખરે માલવિયા પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.